(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૩
ગુજરાતમાં ત્રીજા મોરચા રૂપે ઉભરી આવવાના પ્રયાસો કરી રહેલ ‘જન વિકલ્પ’ના કર્તાહર્તા એવા શંકરસિંહ વાઘેલાએ આજે ત્રીજો મોરચો ગુજરાતમાં સફળ થતો નથી. તે અંગેની વાતોનું ખંડન કરતા કહ્યું હતું કે દિલ્હીમાં આપ પાર્ટી શું પહેલા હતી ? બીજુ પટનાયકની પાર્ટી, મુલાયમસિંહની વગેરે પાર્ટીઓ હતી ? આજે ભાજપ-કોંગ્રેસ સહિતની પાર્ટીઓમાં જ લોકશાહી ક્યાંય નથી ત્યારે કાર્યકરો-લોકો ક્યાં જાય ? તે ત્રીજો વિકલ્પ જ પસંદ કરે છે. આ સાથે તેમણે મતો મેળવવા, લોકોને આકર્ષવા, રાજકીય પક્ષો કેવી રીતે ચીટિંગ કરીને લોકોને બનાવે છે. તેની વાત કરી રાજકીય પક્ષોની નીતિ રીતિ સામે આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે તેઓની જીભ લપસી હોય તેમ બે-બે વખત મમતા બેનરજીને બદલે મમતા કુલકર્ણી બોલ્યા હતા. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અંગેના એક કાર્યક્રમમાં લઈ મળેલી બેઠકમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં કોંગ્રેસથી અલગ થયેલાં શંકરસિંહ વાઘેલાની જીભ લપસતાં તેઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મમતા કુલકર્ણી તરીકે સંબોધતા હાસ્યની છોળો ઉડી હતી. વાઘેલાએ કહ્યું હતું કે ગુજરાતની જનતા પેંડુલમના જેવી નથી. તેઓ કોંગ્રેસથી નાખુશ થઈને ભાજપ પાસે ગઈ અને તેઓએ ૨ર વર્ષની સત્તા ભાજપને સોંપી દીધી છે. હવે શું જનતાએ ભાજપથી પણ નિરાશ થઈને શું ફરી કોંગ્રેસ પાસે જવું જોઈએ ? શું આનો ત્રીજો વિકલ્પ ના હોવો જોઈએ.? જ્યારે વાઘેલાને પૂછવામાં આવ્યું કે તેઓને ભાજપની ‘બી’ ટીમ તરીકે કહેવાય છે જે કોંગ્રેસને હરાવવા માટે મેદાનમાં ઊતરી છે તો વાઘેલાએ પ્રત્યુત્તર આપ્યો હતો કે શું કેજરીવાલે કોંગ્રેસને હરાવવા માટે દિલ્હીમાં આમ આદમી પાર્ટી બનાવી હતી ? હાલમાં અમારા જેટલાં મુદ્દા છે તે તમામ સરકાર વિરૂધ્ધના છે. કોંગ્રેસ તો રર વર્ષથી સત્તામાં નથી એટલે તેમના મુદ્દા નથી ત્યારે અમને ભાજપની ‘બી’ ટીમ ગણાવવી એ જનતાનું જ અપમાન છે. અમે ત્રીજો વિકલ્પ આપીશું. વાઘેલાને પૂછવામાં આવ્યું કે ગુજરાતમાં ત્રીજા વિકલ્પનો કોઈ ઈતિહાસ રહ્યો નથી. કેશુભાઈ પટેલે પણ કોશિશ કરી હતી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતાં જેના પર વાઘેલાએ કહ્યું કે વિકલ્પ દરેક જગ્યાએ હોય છે. આપ પાર્ટી શું દિલ્હીમાં હતી? બીજુ પટનાયકની પાર્ટી પહેલા હતી, શિવસેના પહેલા હતી, મુલાયમની પાર્ટી હતી, ‘મમતા કુલકર્ણી’ની પાર્ટી હતી તો શું આ બધા દ્વારા ભાજપ, કોંગ્રેસ અથવા સીપીએમના વોટ તોડવા માટે પાર્ટી બનાવવામાં આવી હતી. તેમણે રાજકીય પક્ષો ઉપર પ્રહારો કરતાં કહ્યું હતું કે ૧૯૭૧માં ઈન્દિરા ગાંધીએ ગરીબી હટાવ મુદ્દે તો ર૦૦રમાં ગોધરા ટ્રેન કાંડ, કોણે કરાવ્યું તેમાં નથી પડવું પરંતુ બધામાં સામાન્ય પ્રજા ક્યાં ગઈ. બધા વોટ મેળવવા માટે લોકોને આકર્ષવા ચીટિંગ કરવી, અને મતો માંગવાનું રાજકારણ રાજકીય પક્ષો કરતી રહે છે એટલું જ નહીં આ પાર્ટીઓમાં લોકશાહી હોવી જોઈએ જે છે જ નહીં, ક્યાંય પણ નથી. ભાજપ-કોંગ્રેસ બંને પક્ષમાં નથી લોકો ક્યાં જાય. આ પક્ષોમાં બધુ હાઈકમાન્ડ નક્કી કરે છે. આ ઉપરાંત એકબીજાની ટાંગ ખેંચવી અને પાર્ટી ટુ પાર્ટી મેક ફિક્સીંગ પણ આ પક્ષોમાં ઘૂસી ગયા છે. જે અમારા ડીએનએમાં નથી.