(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૧૩
ભરૂચના આમોદ ચાર રસ્તા ઉપર સતત બીજા દિવસે વિદ્યાર્થીઓએ બસો રોકી ચક્કાજામ કર્યો હતો. આજરોજ સવારના સમયે ભરૂચ-જંબુસર વચ્ચે દોડતી એસટી બસો સમયસર ન આવતા આમોદ ચાર રસ્તા વિસ્તારમાં વિદ્યાર્થીઓએ ભેગા મળી આવતી બસો અને વાહનોને રોકી ચક્કાજામ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત રોજ પણ ગરીબ કલ્યાણ મેળામાં બસો ફાળવી દેવામાં આવતા જંબુસર-ભરૂચ વચ્ચેના અસંખ્ય વિદ્યાર્થીઓ અટવાયા હતા. જેના કારણે વિદ્યાર્થીઓના ભણતર ઉપર તેની અસર પડી રહી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. આમોદ ચાર રસ્તાના આ વિસ્તારમાં આજરોજ વિદ્યાર્થીઓએ બસો રોકી ચક્કાજામ કરતા એક સમયે ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. સાથે સાથે જો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નનો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.