જામનગર, તા.૧૩
સરકાર તરફથી નવી જીઆઈડીસીની જાહેરાતો થઈ, તેમાં જામનગરમાં ધ્રોળને પણ નવી જીઆઈડીસી મળશે. રાજ્ય સરકારે નવી જાહેરાતો તો કરી દીધી, પરંતુ હાલમાં જ્યાં જ્યાં જીઆઈડીસી છે, ત્યાંની સમસ્યાઓ ઉકેલવી પણ જરૃરી છે. બૂલેટ ટ્રનની જેમ નવા સપના દેખાડીને મૂળભૂત પ્રવર્તમાન વ્યવસ્થાઓની ઉપેક્ષા શાસન કરી રહ્યું હોવાથી તેની આકરી ટીકાઓ પણ થઈ રહી છે. જીઆઈડીસીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જરૃરી પ્રોત્સાહનો પહોંચાડવાની સરકારની જવાબદારી હોય છે, પરંતુ તેના જાડી ચામડીના તંત્રો નાના અને મધ્યમ ઉદ્યોગકારોને ઘણી વખત પરેશાન કરતા હોવાથી જીઆઈડીસીમાં પ્લોટ લીધા પછી નાના-મધ્યમ ઉદ્યોગો પાંગરતા નથી. જો વાસ્તવમાં નાના-મધ્યમ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરીને રોજગારીની તકો વધારવી હોય તો સરકારે જાહેર કરેલી પોલિસીઓનો વાસ્તવિક અમલ થાય તેવા પગલાં લેવાય તે જરૃરી છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ તો ત્યાં સુધી કહે છે કે હવે વિકાસ ભૂરાયો થયો છે અને ભાજપનો પરાજય નિશ્ચિત જણાતા ગુજરાત સરકારને ટેક્ષ્ટાઈલ અને જીઆઈડીસી યાદ આવી ગયા છે. બાવીસ વર્ષ સુધી ક્યાં હતાં ?
બીજી તરફ જામનગરમાં એક લાખ જેટલા પરિવારને રોજગારી આપતા બ્રાસપાર્ટ ઉદ્યોગની સમસ્યાઓ નિવારવા અને જીએસટી દર વધુ ઘટાડવાની માંગણી તિવ્ર બની રહી છે. જીએસટી કાઉન્સિલે જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગને અન્યાય કર્યો હોવાથી આક્રોશ અને અસંતોષ હવે સપાટી પર આવવા લાગ્યો છે. કેટલાક સંગઠનો દ્વારા બ્રાસપાર્ટ ઉદ્યોગને બચાવવાની માંગણી સાથે દિવાળી ટાણે જ આંદોલનાત્મક કાર્યક્રમોની તૈયારી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે.
બ્રાસપાર્ટ ઉદ્યોગની સાથે સંકળાયેલા અન્ય વ્યાપારી વર્તુળો અને બ્રાસપાર્ટ આધારીત રોજગારી મેળવતો બહોળો વર્ગ જોતા લાખો લોકોનો આ અસંતોષ નિવારવા સ્થાનિક નેતાઓ હવે હડિયાપટ્ટી કરવા લાગ્યા હોવા છતાં જો સરકાર અને જીએસટી કાઉન્સિલનું વલણ નહીં બદલે તો ચૂંટણીમાં નુક્સાન વધુ થઈ શકે છે.