(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૪
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આજે અમદાવાદમાં મહિલા ટાઉનહોલ કાર્યક્રમમાં આક્રમક નિવેદન કરીને તમામનું ધ્યાન ખેંચ્યું હતું. સુષ્મા સ્વરાજે એકબાજુ પોતાની સરકારની કામગીરી અને તેના દ્વારા લેવામાં આવેલા જુદા જુદા પગલાઓનો ઉલ્લેખ કર્યો હતો. બીજી બાજુ ભાજપને મહિલા વિરોધી ગણાવનાર કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ પોતાના અંદાજમાં જવાબ આપ્યા હતા. રાહુલે ગુજરાત પ્રવાસ દરમિયાન સંઘ અને ભાજપની મહિલાઓની ભાગીદારી ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા. એક મહિલાએ રાહુલ ગાંધીના નિવેદનને લઇને પ્રશ્નો કર્યા ત્યારે સુષ્માએ કહ્યું હતું કે, તેઓ આ વિષય ઉપર એજ કહેવા માંગે છે જે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. નેતાઓને આવી વાત કરવી શોભા આપતી નથી. રાહુલ ગાંધી પાર્ટીના નાયબ અધ્યક્ષ છે અને તેમને અધ્યક્ષ બનાવવાની વાત થઇ રહી છે. સંઘમાં મહિલાઓની મંજુરી કેમ નથી જો તેવા પ્રશ્ન અમને કર્યા હોત તો અમે યોગ્ય જવાબ આપી શકીયા હોત પણ જે અભદ્રતાથી તેઓએ પ્રશ્ન કર્યો હતો તે રીતે આ પ્રશ્ન બનતો જ નથી. સુષ્માએ કહ્યું હતું કે, અમારી સરકારથી પહેલા ક્યારેય કોઇ મહિલા કેબિનેટ કમિટિ ઓન સિક્યુરિટીમાં સભ્ય ન હતી. ભાજપની સરકારમાં આ કમિટિમાં પાંચમાથી બે મહિલા છે. સીસીએસ કમિટિમાં મોદી અને ગૃહમંત્રી, વિદેશમંત્રી, નાણા અને સંરક્ષણ મંત્રી હોય છે. પીએમ મોદીએ પહેલીવાર મને વિદેશમંત્રી બનાવીને તેમાં હિસ્સો બનાવી. હવે નિર્મલા સીતરમણના આવવાથી ૫૦ ટકા મહિલાને પ્રતિનિધિત્વ સીસીએસમાં મળ્યું છે. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, અમારી પાર્ટી વિરુદ્ધ વિરોધી પાર્ટીએ મહિલા વિરોધી કહીને બહું જ માછલા ધોયા, પણ ભાજપે ચાર ચાર મહિલાઓ મુખ્યમંત્રી બનાવી છે. આજે મોદીની કેબિનેટમાં ૬ કેબિનેટ મહિલાઓ છે.