(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૪
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બંને ભલે અલગ-અલગ બાબત હોય પરંતુ જે રીતે બધી ઘટનાઓ બની રહી છે તે જોતા આ બંને બાબતો જોડાયેલી જણાય છે. મોદીનો ગુજરાત પ્રવાસ પૂરો થયા પછી જ કેન્દ્રીય ચૂંટણીપંચ ગુજરાતની ચૂંટણી જાહેર કરશે તે વાત હવે લગભગ સામાન્ય જનને પણ ગળે ઉતરી રહી છે. જો આમ ન હોત તો છેલ્લા મહિનાઓથી જે વાત ચાલતી હતી અને આમેય પંચની કાર્ય કરવાની વર્ષોની નીતિ-રીતિ મુજબ હિમાચલ પ્રદેશની સાથે જ ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરી દેવાઈ હોત. આમ હવે નરેન્દ્ર મોદીના ૧૬-૧૭ ઓક્ટોબરના પ્રવાસમાં ફેરફાર થતા અને મોદી ફરીથી તા.ર૩મી ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત લે તે નક્કી થતાં તે પછી જ ચૂંટણીની જાહેરાત થશે તે નક્કી મનાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચૂંટણીને લઈને મુલાકાતોનો દોર વધારી દીધો છે. પોતાના હોમ સ્ટેટની ચૂંટણી હોઈ અને તેનું સમગ્ર દેશ માટે મહત્ત્વ હોઈ વડાપ્રધાન મોદી કોઈ કચાશ છોડવા માગતા ન હોવાને કારણે તેમણે ચૂંટણી માટે ગુજરાત ઉપર ખાસ ફોક્સ કેન્દ્રિત કર્યું છે. આ અનુસંધાને જ તેમની એક પછી એક મુલાકાતો જારી રહેવા પામી છે. તા.૧૬-૧૭ ઓક્ટોબરે તેમના નિર્ધારિત કાર્યક્રમમાં હવે થોડો ફેરફાર થયો હોવાની વિગતો બહાર આવી છે. તા.૧૬મીએ ભાજપની ગૌરવ યાત્રાના સમાપનમાં હાજરી આપી તા.૧૭મીએ તેઓ ભાવનગરમાં ઘોઘા ખાતે રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરવાના હતા તે હવે તા.ર૩મી ઓક્ટોબરે નિર્ધારિત કરવામાં આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. એટલે કે મોદી તા.૧૬મીની મુલાકાત પછી ફરીથી તા.ર૩મીએ ભાવનગરમાં રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરવા ગુજરાતની મુલાકાતે પધારશે.
બીજી તરફ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પણ હિમાચલ પ્રદેશની સાથે જ ગુજરાતની ચૂંટણી જાહેર કરવાની હતી તે ન કરી હવે પછી જાહેરાત કરવાનું કહેતા રાજકીય આલમમાં પંચ સામે વડાપ્રધાનના નિર્દેશ મુજબ ચૂંટણી જાહેરાત ટાળવામાં આવી હોવાના આક્ષેપો શરૂ થઈ જવા પામ્યા છે. હવે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ બદલાતા તા.ર૩મી સુધી તો ચૂંટણીની જાહેરાત થવાની કોઈ શક્યતા જણાતી નથી. આમેય તા.૧૬મીના વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના દિવસથી તો દિવાળીના તહેવારો શરૂ થઈ રહ્યા હોઈ જાહેરાતની શક્યતા નહીવત છે એટલે તા.ર૩મીએ વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાત આટોપી લે તે પછી લાભપાંચમે (તા.રપમીએ) ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેમ જણાય છે. વડાપ્રધાન આચારસંહિતા લાગુ થવા પહેલા ગુજરાતમાં ચૂંટણીલક્ષી જાહેરાતો કરે તેને લઈને આમ કરાઈ રહ્યાની પણ ચર્ચા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ તરફથી બનાસકાંઠામાં આવેલ પૂરને કારણે ત્યાંની સ્થિતિ હજુ સામાન્ય થઈ ન હોઈ ચૂંટણી મોડી કરવા પંચ સમક્ષ માગણી કરવામાં આવેલ છે. આ સંજોગોમાં ચૂંટણી પંચ ક્યારે ચૂંટણીની જાહેરાત કરે છે તે જોવું રહ્યું.