(સંવાદદાતા દ્વારા)
વાગરા, તા.૧૪
વાગરાના સુવા ગામના લેન્ડલૂઝર્સએ સેવાસેતુ કાર્યક્રમમાં મામલતદારને આવેદન પાઠવ્યંુ હતું. યુવાનોએ તાત્કાલિક ધોરણે નોકરી આપવામાં વિલંબ કરાશે તો આંદોલનનો માર્ગ ઇખ્તિયાર કરાશેનો હુંકાર કર્યો હતો. ૭૦૦થી વધુ લેન્ડ લૂઝર્સ નોકરી વિના આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હોવાની રાવ નાંખી હતી.
વાગરા તાલુકામાં આવેલ દહેજ ગામની આસપાસના ગામોમાં લેન્ડલૂઝર્સને મામલે ખેડૂતોએ વર્ષો પછી પણ નોકરીઓ ના મળતા માર્ગો પર ઉતરવાનો વારો આવ્યો છે. સરકારમાં અને જીઆઇડીસીના તંત્રને અનેક રજૂઆતો પછી પણ નોકરીનો પ્રશ્ન ઠેરનો ઠેર છે. લોકોની ધીરજ હવે ખૂટી રહી છે. દહેજ વિસ્તારના જમીન વિહોણા ખેડૂતોનો પ્રશ્ન સરકારી તંત્ર ઉકેલ લાવતી નથી.જેને કારણે સૌથી વધુ યુવાનોમાં આક્રોશ વધી રહ્યો છે. નોકરી વિહોણા યુવાનો માટે લગ્નનું પણ સંકટ ઘેરાયું છે.
વાગરાના સુવા ગામની તમામ જમીન જીઆઇડીસીએ સંપાદિત કરતા ધરતીપુત્રોને રોજગારી આપતો લેટર શોભાના ગાંઠિયા સમાન બનતા સરકારની શાખ પણ દાવ પર લાગી છે. વર્ષોની તપસ્યા બાદ સુવા ગામના ૭૦૦થી વધુ લેન્ડલૂઝર્સ આજે પણ નોકરી માટે મુહિમ ચલાવી રહ્યા છે.આજરોજ વાગરા મામલતદારને આવેદન પત્ર આપવા આવ્યા હતા પરંતુ વાગરા નજીક સેવાસેતુ કાર્યક્રમમાં આખુ સરકારી તંત્ર રોકાયેલું હોવાથી લેન્ડલૂઝર્સ લોકોએ આંકોટ ગામે પહોંચી જઇ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. જો નોકરી આપવામાં કંપનીઓ પાછીપાની કરશે તો ગામલોકો આશ્ચર્યજનક કાર્યક્રમો આપસેની ચિમકી સુવા ગામના લોકોએ ઉચ્ચારી હતી.
વાગરાના અગ્રણી રમણભાઈ ગોહિલે લેન્ડલૂઝર્સ મામલે જણાવ્યું હતું કે જીઆઇડીસી દ્ધારા અમને આપેલા લેટર અમને છેતરવા થી વિષેશ કાંઈ નથી.અમારી માંગણી વ્યાજબી છે.જો નોકરી બાબતે ટૂંક સમયમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે આંદોલનનો માર્ગ અપનાવીશું એમાં કોઈ બે મત નથી.