(એજન્સી) કોલકાત્તા, તા.૧૭
કોલકત્તા હાઈકોર્ટે મંગળવારે દાર્જિલિંગમાંથી કેન્દ્રીય સુરક્ષા બળોને પાછા ખેંચવાના કેન્દ્ર સરકારના નિર્ણય ઉપર મનાઈ હુકમ આપ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને ર૩મી ઓક્ટોબર સુધી સોગંદનામુ રજૂ કરવા જણાવ્યું છે અને રાજ્ય સરકારને સોગંદનામાનું જવાબ રજૂ કરવા ર૬મી ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. આગામી સુનાવણી ર૭મી ઓક્ટોબરે નિર્ધારિત કરાઈ છે.
રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયના આદેશ પછી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો હતો કે દાર્જિલિંગમાંથી કેન્દ્રીય આર્મ્ડ પોલીસ ફોર્સની ૧પમાંથી ૧૦ કંપનીઓને પાછી બોલાવવામાં આવે. જેથી એમને દેશના અન્ય સ્થળોએ તહેવારોને અનુલક્ષીને મોકલી શકાય.
જો કે આ નિર્ણયની જાહેરાત પછી મમતા બેનરજીએ વાંધો ઉઠાવ્યો હતો. એમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે હાલની પરિસ્થિતિઓમાંથી દાર્જિલિંગમાંથી ૧૦ કંપનીઓને પરત ખેંચવાનો નિર્ણય કઈ રીતે કર્યો છે ?
બે દિવસ પહેલાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરનું આંદોલનકારીઓ સાથેના સંઘર્ષ દરમ્યાન મૃત્યુ થયું હતું. પોલીસ ટીમ દરોડા પાડવા ગઈ હતી. ત. વખતે જીએએમના અધ્યક્ષ બિમલ ગુરૂંગના સમર્થકો સાથે સંઘર્ષ દરમ્યાન સબ ઈન્સ્પેક્ટરનું મૃત્યુ થયું હતું. ગુરૂંગ અને જીજેએમના અન્ય નેતાઓ છુપાતા ફરી રહ્યા છે.
કારણ કે સરકારે એમની સામે કેસો દાખલ કર્યા છે. જે કેસો યુએપીએ કાયદાની જોગવાઈ હેઠળના છે. આ ઘટનાના બે દિવસ પછી કેન્દ્ર સરકારે દળો પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હોવાથી મમતાએ વિરોધ નોંધાવ્યો હતો.