અમદાવાદ,તા.૧૮
ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના વધતા જતાં આંટાફેરાને લીધે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત પહેલાં જ ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્યારે ચૂંટણીના માહોલમાં વધુ ગરમી લાવવા હવે હાર્દિક પટેલે પણ દિવાળી બાદ પાંચ જેટલી રેલીઓ કરવા તૈયારીઓ શરૂ કરી છે. જેમાં મહિલા સુરક્ષા, બેરોજગારી, ખેડૂત સાથે સંબંધિત મુદ્દાઓને ઉઠાવીને સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેનો તખ્તો ગોઠવાઇ ચુક્યો છે ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની ચુક્યા છે. આવી સ્થિતિમાં પાટીદાર આંદોલનના લીડર હાર્દિક પટેલે પણ દિવાળી બાદ પાંચ રેલી કરવાની યોજના તૈયાર કરી લીધી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દિવાળી બાદ હાર્દિક પટેલ રેલી કરશે. પાટીદારો માટે અનામતના મુદ્દાને ઉઠાવીને હાર્દિક દ્વારા બેરોજગારી, મહિલાઓની સુરક્ષા અને કૃષિ કટોકટીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવશે. આ રેલી ૨૨મી ઓક્ટોબરના દિવસથી શરૂ થશે. ખેડૂત સંમેલન સૌથી પહેલા વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં માધેલી ગામના યોજવામાં આવશે. હાર્દિક દ્વારા આમાં કૃષિ લોન માફીની માગણી કરવામાં આવશે. સાથે સાથે ખેડૂતો માટે સિંચાઈની નહેરની મર્યાદિત સંખ્યાને લઇને પણ મુદ્દો ઉઠાવવામાં આવશે. હાર્દિક દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઊંટડી ગામમાં પાટીદાર સ્નેહ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બોટાદ જિલ્લામાં ૨૫મી ઓક્ટોબરના દિવસે કાર્યક્રમ યોજવામાં આવશે. બેરોજગારીનો મુદ્દો મુખ્ય રીતે ઉઠાવવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. બેરોજગારીના મુદ્દે હાર્દિક દ્વારા ૨૮મી ઓક્ટોબરના દિવસે ભાવનગરમાં પાલીતાણા તાલુકાના સાગપારા ગામમાં યુવા ક્રાંતિ સંમેલન યોજવામાં આવશે. પાટીદાર માટે ઓબીસી ક્વોટાને લઇને રજૂઆત કરવામાં આવશે. આના ભાગરુપે પાંચમી નવેમ્બરના દિવસે સુરેન્દ્રનગરમાં ભક્તિનગર સર્કલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જાણકાર લોકોનું કહેવું છે કે, શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં આ કાર્યક્રમો કરવામાં આવશે. એક અહેવાલ મુજબ હાર્દિકે આ મુજબની કબૂલાત કરી છે.