(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શુદ્ધ વૈકલ્પિક રાજકારણને જીવંત રાખવાના વિચારને જાળવી રાખવા, મદદ કરવા માટેની અપીલ કર્યા બાદ આમ આદમી પાર્ટીને ગણતરીના કલાકોમાં ૧૮ લાખ રૂપિયાની મદદ મળી છે. દિલ્હીના મુખ્યમંત્રીએ પોતાના હરિફો પર ભ્રષ્ટાચાર મુક્ત ભંડોળ અંગે પ્રહાર કરવા રાજકીય વોચડોગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓનો ઉલ્લેખ કરતાં ઈ-મેઈલ દાતાઓને મોકલ્યો હતો. જો કે તેમની પાર્ટીને નાણાંના અભાવે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે વાતને તેમણે નકારી કાઢી હતી. દાતાઓને ઈ-મેઈલ મોકલ્યા બાદ એક દિવસમાં જ ૧૮૩૦ લોકોએ પ્રતિક્રિયા આપી હતી અને રૂા.૧૪.૭ર લાખનું દાન ભેગું થયું હતું. બુધવારે પાર્ટીને બપોરના ર વાગ્યા સુધીમાં ૬૪૧ દાતાઓ તરફથી રૂા.૪.૬૧ લાખનું દાન મળ્યું હતું. ૧ ઓક્ટોબરથી ૧૬ ઓક્ટોબર દરમિયાન ૮૩પ દાતાઓ તરફથી પક્ષને રૂા.૧૩.ર૩ લાખનું દાન મળ્યું. ૪૦૦ જેટલા દાતાઓ દર મહિને ફાળો આપે છે. અપીલમાં કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરવા માટે એસોસિએશન ફોર ડેમોક્રેટિકક રિફોર્મસ (એડીઆર) દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ અપીલ ગુજરાત અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી અને ઉત્તરપ્રદેશમાં સ્થાનિક ચૂંટણી પહેલાં કરવામાં આવી હતી. એડીઆરના રિપોર્ટ અનુસાર ભાજપ અને કોંગ્રેસના ૮૦ ટકા ભંડોળ અજાણ્યા સૂત્રો દ્વારા આવે છે. તેઓ આપણા જેવા આમ આદમીનું કલ્યાણ કરવાના બદલે તેમને ભંડોળ પૂરું પાડનારી એજન્સીઓને જ વફાદાર રહે છે. આ જ કારણ છે જેના લીધે આઝાદીના ૭૦ વર્ષ પછી પણ મોટાભાગના નાગરિકોએ મૂળભૂત માનવ જરૂરિયાતો માટે સંઘર્ષ કરવો પડે છે. એક સંગઠન તરીકે આપે પોતાના રાજકીય અને સંસ્થાકીય ખર્ચાઓને પહોંચી વળવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે. તમને લાગશે કે ૪ સાંસદો, ૮૬ વિધાનસભ્યો, પર કાઉન્સિલર અને આપ પાસે પક્ષ ચલાવવા માટે નાણાંની અછત ના હોવી જોઈએ. આ સંદેશમાં દિલ્હીમાં આપ સરકારનું પ્રદર્શન ભારતીય રાજકારણમાં ક્રાંતિકારી હતું તેવો દાવો કરવામાં આવ્યો હતો.