વેરાવળ, તા.૧૮
માળીયા હાટીના પોલીસ સ્ટેશન હદ્દ વિસ્તારમા આવેલ તરશિંગડા ગામે ગત તા.૧૭/૯ ના રાત્રિના સમયે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અઘિકારી તથા સ્ટાફ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના જમવા બેસેલ મુસ્લિમ પરિવારને કોઈ પણ પ્રકારની પૂછતાછ કે તપાસ કર્યા વગર ઘરમાં ઘૂસી જઇ લાકડી અને ધોકા વડે હુમલો કરવામાં આવેલ જે બનાવ અંગે માયનોરિટી સુરક્ષા મંચ ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ દ્વારા એસ.પી. ને લેખીત રજુઆત કરી પોલીસ સામે ગુન્હો દાખલ કરવાની માંગ કરેલ છે.
આ અંગે માયનોરટી સુરક્ષા મંચ ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ રજાકભાઈ બ્લોચ એ જુનાગઢ એસ.પી. ને કરેલ લેખીત ફરિયાદમાં જણાવેલ કે, ચોરવાડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશેન થર્ડ/પાર્ટ ગુનામાં નાસતો ફરતો આરોપી નદીમ તરસિંગડા ગામે હોવાની પોલીસને મળેલી બાતમીના આઘારે તરસિંગડા ગામે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રાત્રિના સમયે સાદા ડ્રેસમાં ભીખુભાઈ વલીભાઇના ઘરમાં આશરે પંદરેક જ્ણા ઘૂસી જઈ તમે નદીમને ક્યાં છુપાવ્યો છે તેમ કહી લાકડી ધોકાઓથી મહિલાઓ, પુરુષો, વડીલોને માર મારવા લાગેલ એ દરમ્યાન આરજૂબેન નામની મહિલા ગર્ભવતી હોય તેના પેટના ભાગે લાત મારતા બેહોશ થઈ જમીન પર પડેલ અને આરોપીના બદલે નિર્દોષ લોકો ઉપર હુમલો કરવામાં આવતા સ્થાનિક ગ્રામજનો એકઠા થઈ પોલીસનો વિરોધ કરવામાં આવતા તેઓ જતાં રહેલ અને ગંભીર રીતે ઘવાયેલ આરજૂબેનને ૧૦૮ મારફત મેંદરડા સરકારી હોસ્પીટલમાં ખસેડેલ જયાં સ્થાનિક પોલીસને જાણ કરવામા આવતા ચોરવાડ પોલીસ સામે ફરિયાદ આપવામાં આવતા તેની જાણ ચોરવાડ પોલીસને થતાં સત્તાનો દુરુપયોગ કરી માળીયા પોલીસને બોલાવી દર્દીની સાથે આવેલ નિર્દોષ વ્યક્તિ રફીકભાઈને લઈ ગયેલ અને માનવતાની હદ વટાવી રાત્રિના સમયે ગંભીર રીતે ઘવાયેલ મહિલાઓને રેઢી મૂકી ચાલ્યા ગયેલ હોવાનું રજૂઆતમાં જણાવેલ છે.
મેંદરડા સરકારી દવાખાના ફરજ પરના ડોક્ટર દ્વારા આરજૂબેનની તબિયત અતિ ખરાબ હોવાથી તેઓને વધારે સારવાર માટે જુનાગઢ દવાખાને ખસેડવાનું કહેતા રાત્રિના સમયે એકલી મહિલાઓએ હીમત દાખવી ખાનગી વાહન ભાડે કરી જુનાગઢ દાખલ થયેલ તે દરમ્યાન ચોરવાડ પોલીસે પોતાનો બચાવ કરવા માળીયા દવાખાને દાખલ થઈ ગ્રામ્યજનોએ માર મારેલ હોવાનું તથા ફરજમાં રૂકાવટનું જણાવી મુસ્લિમ પરિવારના નિર્દોષ લોકો ઉપર ગુનાઓ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ પરંતુ ગંભીર રીતે ઘાયલ થયેલ ગર્ભવતી મહિલાની એફ.આઇ.આર. આજદિન સુધી ફરિયાદ નોંઘવામાં આવેલ નથી. આ મુસ્લિમ પરિવારે વારંવાર સ્થાનિક પોલીસને ફરિયાદ કરવા છતાં આજદિન સુધી પોલીસ સામે ગુન્હો દાખલ કરવામાં ન આવતા ગુજરાત માયનોરીટી સુરક્ષા મંચે બનાવની તપાસ ડી.વાય.એસ.પી. કેડરના અધિકારી મારફત કરાવવા તથા ચોરવાડ પોલીસના જવાબદારો સામે આઇ.પી.સી. ધારા હેઠળ અને તપાસમાં ખૂલતી કલમો હેઠળ ગુનો દાખલ કરી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવેલ છે અને આ નિર્દોષ લોકોને યોગ્ય ન્યાય ના મળે તો આવનારા દિવસોમાં કોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી રજૂઆતના અંતમાં ઉચ્ચારવામાં આવેલ છે.