(એજન્સી) અલીગઢ, તા.૧૮
ઉત્તરપ્રદેશના અલીગઢમાં મંગળવારે રાત્રે એક તબીબ દંપતીને ભૃણ પરીક્ષણ કરતાં રંગેહાથ પકડવામાં આવ્યા હતા. દરોડાની આ કાર્યવાહી સરકારના પ્રિ-કંસેપ્શન એન્ડ પ્રિ-નેટન ડાયગ્નોસ્ટિક ટેકનિક સેલ (પીસીસીએનડીટી) વિભાગ દ્વારા કરવામાં આવી હતી પરંતુ ભાજપના સ્થાનિક ધારાસભ્યો સંજીવ રાજા અને અનિલ પરાસરના હસ્તક્ષેપને કારણે તેમની ધરપકડ કરી શકાય નહીં. બન્ને ધારાસભ્યોએ અધિકારીઓને અલ્ટ્રસાઉન્ડ મશીન પણ જપ્ત કરવા ન દીધા. સૂત્રોના જણાવ્યા મુજબ અલીગઢના જિલ્લા અધિકારી સહિત અન્ય અધિકારીઓએ ભાજપના ધારાસભ્યોને દખલ કરતાં રોકયા હતા. પરંતુ તેમણે પીસીપીએનડીટીના અધિકારીઓને કાર્યવાહી કરતાં રોકયા હતા. સોમવારે સાંજે પીસીપીએનડીટીના સભ્યો જીવન નર્સિંગ હોમમાં પહોંચ્યા હતા. જ્યાં ડૉ.જયંત શર્મા અને તેમની પત્ની લિંગ પરીક્ષણ કરતાં ઝડપાયા હતા. મહિલા દરોડા દરમિયાન હોસ્પિટલથી ફરાર થઈ ગઈ હતી પરંતુ સ્થાનિય પોલીસ ડૉ.શર્મા અને તેમની અલ્ટ્રાસાઉન્ડ મશીનને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. થોડી વારમાં ભાજપના બન્ને ધારાસભ્યો પણ ત્યાં પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાં એસપી, જિલ્લા અધિકારી તેમજ અન્ય અધિકારીઓ પણ હાજર હતા. અલીગઢના જિલ્લા અધિકારી ઋષિકેશ ભાસ્કર યાશોદે જણાવ્યું કે, અમે સરકારના વરિષ્ઠ અધિકારીઓને જણાવ્યું હતું કે, ધારાસભ્યો આ પ્રકારે ન્યાયિક પ્રક્રિયામાં દખલગીરી કરી રહ્યા છે. અમે ધારાસભ્યોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓએ અમારી વાતને દાદ ન આપી. બીજી બાજુ ડૉ.શર્માએ આરોપોને નકાર્યા હતા અને કહ્યું કે, પીસીપીએનડીટીની ટુકડી બળજબરીપૂર્વક હોસ્પિટલમાં ઘૂસી આવી હતી અને તેમણે અલ્ટ્રસાઉન્ડ મશીન અને ડિજિટલ વીડિયો રેકોર્ડર પણ જપ્ત કર્યા હતા. તબીબના જણાવ્યા મુજબ ત્યા કશુ ગેરકાયદેસર થયું નથી. ઘટનાની જાણકારી મળતા ભાજપના વિધાયક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બે વાગ્યાની આસપાસ મને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને મારી વિરૂદ્ધ કોઈ કાર્યવાહી પણ નથી કરવામાં આવી. હું એક સર્જન અને હોસ્પિટલનો સંચાલક છું જ્યારે મારી પત્ની સ્ત્રી રોગ નિષ્ણાત છે. પીસીપીએનડીટી અધિકારી નવીન જૈનને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે એક પોલીસ ઈન્સ્પેકટર અને સેલ કો-ઓર્ડિનેટરના નેતૃત્વમાં એક ટીમ અલીગઢ મોકલવામાં આવી હતી પરંતુ દખલગીરીને કારણે ઓપરેશન પૂરું કરી શકાયું નહીં. નવીન જૈને જણાવ્યું કે, તેમની ટીમ આરોપી તબીબો વિરૂદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરશે. ડૉક્ટર દંપતી સહિત ત્રણ લોકોને આ મુદ્દે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.