(એજન્સી) ઈમ્ફાલ, તા.૧૯
તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાએ બુધવારે કહ્યું કે, કોઈપણ મુસ્લિમ અથવા ખ્રિસ્તી આતંકવાદી નથી હોતા કારણ કે જ્યારે કોઈપણ વ્યક્તિ એકવાર આતંકવાદને અપનાવી લે છે તો તે ધાર્મિક રહેતો નથી. દલાઈ લામાએ મણિપુરમાં પોતાના ત્રણ દિવસીય પ્રવાસ પર કહ્યું કે, લોકો જ્યારે આતંકવાદી બને છે તો તેમની મુસ્લિમ, ખ્રિસ્તી અથવા અન્ય ઓળખ પૂરી થઈ જાય છે. દલાઈ લામાએ તેમ પણ કહ્યું કે, તેમને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સૂત્ર ‘અમેરિકા ફર્સ્ટ’ પણ પસંદ નથી. અહિંસાના ઉપાસક અને નોબલ પુરસ્કાર વિજેતા લામાએ કહ્યું કે, હિંસા કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. તેમણે કહ્યું કે, ભારત જેની પાસે ૧૦૦૦ વર્ષોની અહિંસક પરંપરા રહી છે, તે પોતાના પ્રાચીન જ્ઞાનથી વિશ્વ શાંતિની સ્થાપના સુનિશ્ચિત કરી શકે છે. આપણી જેટલી પણ સમસ્યાઓ છે, તે આપણી જાતે ઊભી કરેલી છે. આપણે લાગણીઓ પર કાબૂ મેળવતા શીખવું પડશે. ગુસ્સો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. દુનિયામાં ૭૦૦ કરોડ લોકોમાં ૬૦૦ કરોડ લોક ભગવાનના બાળકો છે, જ્યારે ૧૦૦ કરોડ નાસ્તિક છે. લામાએ કહ્યું કે, દુનિયાની સમસ્યાઓને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. ભારત પોતાના પ્રાચીન જ્ઞાન તેમજ શિક્ષણથી દુનિયામાં શાંતિની સ્થાપના સુનિશ્ચિત કરી શકે છે. ચીન પણ જો તેની સામ્યવાદી વિચારસરણી છોડી દે તો વિશ્વ શાંતિની સ્થાપના શક્ય છે. શ્રીમંત અને ગરીબની વચ્ચે જે મોટી ખીણ છે તે નૈતિક રૂપે ખોટી છે અને આ ખીણ ભારત તેમજ મણિપુરમાં જોવા મળે છે.