નવી દિલ્હી, તા. ૧૯
ફટાકડા પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધને ખુલ્લો પડકાર આપતા કટ્ટરવાદી હિંદુ સંગઠનના કાર્યકરોએ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના પ્રાંગણમાં કોર્ટ બહાર ફટાકડા ફોડી વિરોધ દર્શાવ્યો હતો. પોલીસે ઘટના અંગે જણાવ્યંુ હતું કે, ત્રણ મહિલાઓ સહિત ૧૪ લોકોની અટકાયત કરી તિલક માર્ગ પોલીસ સ્ટેશન લવાયા હતા. આ લોકો પોતાને આઝાદ હિંદ ફોજના સભ્યો ગણાવતા હતા અને તેની આગેવાની સતપાલ નામનો શખ્સ કરી રહ્યો હતો. જોકે, આ જૂથ જાણતું જ નહોતું કે, સુપ્રીમ કોર્ટે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે નહીં કે, તેને ફોડવા પર. દરમિયાન તેમણે દિલ્હીમાં વધી રહેવા પ્રદૂષણની ચિંતાને પગલે આ પ્રતિબંધ મુકાયો હોવાની બાબતની પણ અવગણના કરી હતી. આ બાબત ભાજપના દિલ્હીના પ્રવક્તા તેજિન્દર બગ્ગા દ્વારા પશ્ચિમ દિલ્હીના હરિનગરની ઝૂંપડપટ્ટીના બાળકોને ફટાકડા વહેંચવા બાદ બની હતી. બગ્ગાએ બાળકોને ફટાકડા વહેંચતા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા પરંતુ સાથે એમ પણ જણાવ્યંુ હતું કે, આ વહેંચણી કોર્ટના અનાદર તરીકે નથી. પોલીસે એમ પણ જણાવ્યું કે, બગ્ગા દ્વારા બાળકોને ફટાકડા વહેંચવા મામલે તેની સામે કોઇ ફરિયાદ નોંધવામાન નહીં આવે.