અમદાવાદ, તા.૧૯
રાજયમા આગામી સમયમા વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થાય એ અગાઉ કરોડો રૂપિયાના કામો આપવા ઉતાવળા બનેલા શાસકપક્ષ દ્વારા આગામી સપ્તાહે મળનારી સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રૂપિયા ૨૩ કરોડ ઉપરાંતનો કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત રજુ કરવામા આવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,૨૪ ઓકટોબરના રોજ મળનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ અમદાવાદ શહેરના જુદા જુદા ઝોનમાં વોટર પ્રોજેકટ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં કમીશનીંગ કરવામા આવેલા વોટર પંપીંગ સ્ટેશનો તથા ચાલુ વર્ષમાં કમીશનીંગ થનારા વોટર પંપીંગ સ્ટેશન મળીને કુલ ૫૧ વોટર પંપીંગ સ્ટેશનોમાં ઈન્સ્ટ્રુમેશન તથા ઓટોમેશન સાથે સુપરવાઈઝરી કંટ્રોલ એન્ડ ડેટા એકસેસ સ્કાડા હેઠળ સીસ્ટમના સપ્લાય, ઈન્સ્ટોલેશન,ટેસ્ટીંગ એન્ડ કમીશનીંગ માટે પાંચ વર્ષ માટે મેઈન્ટેઈનન્સ એન્ડ મોનીટરીંગ કામગીરી માટે તથા ૧૪૮ વોટર પંપીંગ સ્ટેશન ખાતે વાલ્વ તથા તેને સંલગ્ન કામગીરી કરવા માટે જીએસટીથી ૯.૪૬ ટકા વધુના અંદાજ સાથે અને વર્ષ ૨૦૧૩-૧૪ના ભાવથી ૭.૫ ટકા વધુના ભાવ સાથે કુલ રૂપિયા ૨૩.૪૧ કરોડથી વધુના ટેન્ડરને મંજુરી આપવા દરખાસ્ત રજુ કરવામા આવી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષ દ્વારા રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર કરવામા આવે એ અગાઉ કરોડો રૂપિયાના કામો પોતાના માનીતાઓને ખટાવી દેવા માટે કરોડો રૂપિયાની દરખાસ્તો સ્ટેન્ડીંગ કમિટીમા રજુ કરવામા આવી રહી હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે.