(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
જેએનયુના પૂર્વ અધ્યક્ષ કનૈયાકુમારે ભાજપ સરકાર ઉપર આક્ષેપો મૂકતાં કહ્યું છે કે, જે લોકો સરકારની નીતિઓનો વિરોધ કરે છે. એમની વ્યવસ્થિત અને યોજનાબદ્ધ રીતે હત્યાઓ કરાવવામાં આવી રહી છે. એમણે કહ્યું કે, ભાજપ દેશમાં નફરત ફેલાવી રહ્યું છે. કનૈયાકુમારે વડાપ્રધાન મોદી ઉપર હુમલો કરતાં કહ્યું કે, એ ભાગલાવાદી નીતિઓ ઘડી રહ્યા છે. પંજાબ કલાભવનમાં અવતાર જન્દીઅલ્વી એવોર્ડ સમારંભમાં સંબોધન કરતાં એમણે ગૌરી લંકેશ, લેખક ડાભોલકર, એમ.એમ.કલબુર્ગીની હત્યાઓને વ્યવસ્થિત હત્યાઓ તરીકે વર્ણવી હતી. શાસક પક્ષ એમની નીતિઓનો વિરોધ કરનારાઓની હત્યાઓ કરાવી રહ્યો છે. મને લાગે છે કે, શાસક પક્ષ લેખકોથી ડરી રહ્યો છે. જે લોકો સરકારની વિરૂદ્ધ લખે છે. કલબુર્ગી તો ૮૦ વર્ષના હતા. એમનાથી કોઈને પણ શું ભય હોઈ શકે. એમની હત્યા કોઈ પણ વ્યક્તિ કેમ કરશે ? કુમારે કહ્યું કે, સરકાર લોકોના પ્રશ્નોની અવગણના કરી રહી છે અને લોકોનું ધ્યાન બીજે વાળવા ધર્મને રાજકારણ સાથે જોડી ખોટી બૂમાબૂમ કરી રહી છે. જ્યારે ઘણા બધા લેખકોએ પોતાના એવોર્ડ પાછા આપ્યા હતા ત્યારે પ૬ની છાતી ૩ની જ રહી ગઈ હતી. આ કેવા પ્રકારનો ભય હતો ? કુમારે કહ્યું કે, ગૌરી લંકેશ અને અન્ય લેખકોની હત્યાઓ ખેડૂતો અને અન્ય લોકોને જણાવે છે કે, પોતાનો અવાજ ઉઠાવવા આગળ આવો, લેખકોએ પણ લોકોના ખરા મુદ્દાઓ બાબતે લખવું જોઈએ. આજે હાફ ગર્લફ્રેન્ડ જેવું સાહિત્ય લખાઈ રહ્યું છે. આ પણ માર્કેટનો એક ભાગ છે. આ મનોરંજન માટે તો સારું છે પણ એનાથી કોઈ સંદેશ મળતો નથી. વડાપ્રધાન મોદીને વધુ આત્મવિશ્વાસ છે કે એ બધુ જાણે છે પણ એમણે કોઈ અસરકારક કામગીરી કરી નથી.