(એજન્સી) તા.ર૩
અમેરિકી રાષ્ટ્રપતિએ શનિવારે સીરિયાના મહત્વપૂર્ણ શહેર અને આતંકી સંગઠન આઇએસઆઇએસ માટે ગઢ સમાન રક્કા મુક્ત થવા અંગે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ આઇએસઆઇએસ આતંકી સંગઠનને પરાજિત કરવાના આંતરરાષ્ટ્રીય અભિયાન માટે એક મહત્વપૂર્ણ સફળતા છે.તેમણે કહ્યું કે અમેરિકા તેમના રાજકીય સહયોગીઓને યુદ્ધગ્રસ્ત સીરિયામાં મદદ પહોંચાડતો રહેશે. તમને જણાવી દઈએ સીરિયન ડેમોક્રેટિક ફોર્સ અમેરિકી નેતૃત્વ હેઠળની આંતરરાષ્ટ્રીય ગઠબંધનવાળી સેનાની મદદ લઇ રહી છે અને અત્યાર સુધી આ બંને સેનાએ એકબીજાના સહયોગથી સીરિયાના મોટાભાગના શહેરો અને વિસ્તારોમાં આઇએસના આતંકીઓને પરાજય આપ્યો છે. હાલમાં જ સીરિયાના રક્કા શહેરને પણ આતંકીઓથી મુક્ત જાહેર કરવામાં આવ્યો છે આ એક મહત્વપૂર્ણ શહેર છે જ્યાંથી આઈએસનું એક મોટું નેટવર્ક ચાલતું હોવાનું મનાતું હતું અને અહીંથી પણ આઇએસના આતંકીઓ હવે પીછેહઠ કરવા મજબૂર થયા હોવાનું જાણવા મળ્યું છે. ટ્રમ્પે કહ્યું કે જે પણ આઇએસઆઈએસના ટેકેદાર હતા હવે તેમને જવાબ મળી ગયો છે અને આઇએસના કબજા હેઠળના બે મોટા શહેરો જેવા કે ઇરાકના મોસુલ અને સીરિયાના રક્કા હવે આઇએસના આતંકીઓથી મુક્ત છે. તેમણે કહ્યું કે આ મહત્વપૂર્ણ વિજયથી આઇએસઆઇએસ વિરૂદ્ધના અમારા આંતરરાષ્ટ્રીય અભિયાનને મોટી સફળતા મળી છે અને સાથે જ કટ્ટરવાદી આતંકવાદી વિચારધારાને પણ મોટો ફટકો લાગ્યો છે. તેમણે કહ્યું કે લાગે છે કે આ વિજયથી આઈએસના સામ્રાજ્યનું અંત હવે નજીક છે. તેમણે કહ્યું કે અમે સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે જે પણ આઇએસનો સાથ આપશે તેણે ન્યાયનો સામનો કરવો પડશે. અમારી સેના સમગ્ર સીરિયાને આઇએસ મુક્ત બનાવવા આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે અમે ઝડપી રીતે સેનાને કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપ્યા છે અને અમે સીરિયામાં વહેલાં તે પહેલાંઊના ધોરણે ફરીથી શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા માગીએ છીએ.