અમરેલી, તા.ર૩
વડોદરા ખાતે જુદી-જુદી યોજનાઓના ખાતમુર્હૂત તથા લોકાર્પણ કરવા આવેલા પ્રધાનમંત્રીશ્રીએ જાહેરસભાના સંબોધનમાં સ્પષ્ટ કીધું કે વિરોધ પક્ષની સરકાર આવશે તો ‘‘હું કેન્દ્રમાંથી એક રૂપિયો પણ નહીં આપું’’ તેવું કહી ગુજરાતના લોકોને ધમકી આપીને ગુજરાતી મતદારોને ચૂંટણી પહેલા ડરાવ્યા છે જે સમગ્ર ગુજરાતનું અપમાન છે એમ પાસના પ્રવકતા હરેશ બાવીસીએ જણાવ્યું હતું.
આજકાલ ચૂંટણીની સિઝન ચાલી રહી છે ત્યારે કોઈપણ ભોગે ગુજરાતની ગાદી બચાવવા ભાજપ ધમપછાડા કરીને ગુજરાતના અઠવાડિયામાં બે-બે પ્રવાસ કરતા ગુજરાતના પનોતાપુત્ર એવા ગુજરાતી પ્રધાનમંત્રીએ વડોદરાની જાહેરસભામાં એવી પરોક્ષ ધમકી આપી કે જો ગુજરાતમાં વિરોધ પક્ષની સરકાર આવી તો હું કેન્દ્રમાંથી એક રૂપિયો પણ નહીં આપું તેવું કહીને પરિવર્તન કરવા થનગની રહેલ ગુજરાતની જનતાને તથા ગુજરાતી મતદારોને ડરાવવા પ્રયાસ કરીને પ્રધાનમંત્રી ગુજરાતના હોવા છતાં ગુજરાતનું અપમાન કર્યું છે જે શબ્દો પ્રધાનમંત્રીશ્રીને જો ખરેખર ગુજરાતી હોવાનું ગૌરવ હોય તો ગુજરાતની માફી માગવી જોઈએ અન્યથા ગુજરાતી મતદારો તથા ગુજરાતની ખમીરવંતી જનતા તેમને કયારેય માફ નહીં કરે. વાત-વાતમાં વિકાસના ગુજરાતને રોલ-મોડલ ગણાવતા ગુજરાતી પ્રધાનમંત્રીએ ગુજરાતમાં જ સંસ્કારી નગરી વડોદરામાં જ ગૌરવવંતા ગુજરાતીઓને જ કેન્દ્ર સરકાર તરફથી આવા શબ્દોનો ઉપયોગ કરવામાં સહેજ પણ સંકોચ ના થયો તેનાથી મોટું ગુજરાતનું કોઈ મોટું અપમાન ન હોઈ શકે જેને માત્ર પાટીદારો, સવર્ણો જ નહીં પરંતુ એકમેકના સુખદુખમાં ભળી જતાં ગુજરાતીઓ કયારેય નહીં ભૂલે.