(એજન્સી) તા.ર૩
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોન.એફ કેનેડીની હત્યા સંબંધિત ગોપનીય ફાઇલો જાહેર કરવાની મંજૂરી આપવાની જાહેરાત કરી છે. રર નવેમ્બર ૧૯૬૩ના રોજ કેનેડીની હત્યા કરવામાં આવી હતી. તેના બાદ હત્યાને લઇને અનેક રહસ્યો ફાઈલોમાં જ બંધ થઇ ગયા. ટ્રમ્પની જાહેરાતમાં સૌથી મહત્વપૂર્ણ વાત તેની ટાઇમિંગની છે. દાવો કરાયો છે કે રાષ્ટ્રપતિ તેમની વિરુદ્ધ ચાલી રહેલા નેગેટિવ સમાચારોથી લોકોનું ધ્યાન હટાવવા માંગે છે. એટલું જ નહીં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ પણ તેમને આ પગલું ન ભરવા સલાહ આપી રહી છે. ટ્રમ્પે ટ્વીટર પર જાહેરાત કરતાં લખ્યું કે રાષ્ટ્રપતિ તરીકે હું આગળની જાણકારી માટે લાંબા સમયથી બંધ અને ગોપનીય જેએફકે ફાઇલ્સને જાહેર કરવાની મંજૂરી આપીશ. ઉલ્લેખનીય છે કે કેનેડીની હત્યા વિશે અનેક ધારણાઓ બંધાઇ છે. કેટલાક લોકો માને છે કે ઘટનાસ્થળે કોઇ બીજો હુમલાખોર પણ હતો. જોકે સત્તાવાર રીતે કહેવાય છે કે બંદૂકધારી લી હર્વી ઓસવાલ્ડે તેમની હત્યા કરી હતી. બીજી બાજુ ટ્રમ્પ તેમની વિવાદાસ્પદ ટ્વીટ અને રશિયા સાથેના સંબંધોને લઇને તપાસમાં ઘેરાયેલા છે.
દેશમાં તેમના વિશે સકારાત્મક નહીં પણ નકારાત્મક વાતો વધારે થઇ રહી છે. એવામાં તેમની આ જાહેરાતની ટાઇમિંગ પર સવાલો ઊભા થયા છે. રાષ્ટ્રપતિ તરીકે આ નિર્ણય પર મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. સમાજશાસ્ત્રી ડો. ડેશન સ્ટોક્સે કહ્યું કે ટ્રમ્પનું જૂઠાણું, ચાલુ તપાસો અને અક્ષમતાથી ધ્યાન ભટકાવવા આ નિર્ણય પૂરતો છે. સત્યમાં ટ્રમ્પ તેની મંજૂરી આપશે. જો કે આરકોન્સોના પૂર્વ ગવર્નર માઇક હકબીએ કહ્યું કે તેનાથી તમામ પ્રકારની અફવાઓ વહેતી બંધ થશે. પોલિટિકલ સાયન્ટિસ્ટ લેરી સબાટોએ કહ્યું કે આભાર આ એક સારો નિર્ણય છે. આશા વ્યક્ત કરાઇ છે કે ૩૦૦૦ ફાઇલો જાહેર થવાથી શૂટિંગ પહેલા કથિત હત્યારા લી હાર્વી ઓસવાલ્ડની મેક્સિકો યાત્રા સંબંધિત અનેક રહસ્યો ઊઘાડા પડશે. આમ તો આ ફાઇલો ર૬ ઓક્ટોબરે જાહેર થવાની હતી પણ હવે ટ્રમ્પ તેને જનતામાં જાહેર કરતાં અટકી શકે તેમ છે.