(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૩
ગુજરાતીઓનો અવાજ કોઈ સામાન્ય અવાજ નથી આ અવાજને દબાવી પણ નહીં શકાય કે ખરીદી પણ નહીં શકાય. દુનિયાભરના રૂપિયા વાપરી નાંખો તો પણ ગુજરાતીઓના અવાજને દબાવી કે ખરીદી શકાશે નહીં. ગાંધીજી અને સરદાર પટેલ ગુજરાતના અવાજની રક્ષા કરતા હતા. જયારે સરકાર ગુજરાતનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા કોંગ્રેસના રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જીએસટી કોંગ્રેસ પાર્ટીનો વિચાર છે. જીએસટી એટલે જી-ગબ્બર,એસ.સિંહ, ટી. ટેક્ષ છે. સરકારે જીએસટી સરળ બનાવવંુ પડશે. નહી તો દેશને બહુ મોટું નુકસાન થશે.
ગાંધીનગરમાં સેકટર-૧૧ના રામકથા ગ્રાઉન્ડમાં ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોરને સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાવાનું જનાદેશ સંમેલન યોજાયું હતું. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં એક એવો વ્યકિત નથી જે કોઈ આંદોલનમાં જોડાયેલો ના હોય. ગુજરાતમાં પ્રજાની સરકાર નથી. પરંતુ પ-૧૦ જેટલા ઉદ્યોગપતિઓની સરકાર ચાલી છે. એટલે જ ગુજરાતના લોકોને આંદોલન કરવું પડે છે. સરકારનું કામ રોજગારી આપવાનું છે. ત્યારે વડાપ્રધાન મોટી મેડ ઈન ઈન્ડિયાની વાતો કરે છે. પરંતુ ૩૦ લાખ બેરોજગારી યુવાનો છે અને દરરોજ ૩૦ હજાર યુવાનો રોજગારી શોધવા નીકળે છે. પણ તેની સામે મોદી સરકાર માત્ર ૪પ૦ લોકોને જ રોજગારી આપે છે. વધુમાં રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે મોદી આખા દેશને પોતાના મનની વાત કહે છે પણ હું આજે દિલથી તમને ગુજરાતીઓના દિલની વાત કરીશ. ગુજરાતના યુવાનો રોજગારી માગે છે, શિક્ષણ માગે છે, તમે ગુજરાતની યુનિવર્સિટીઓ ઉદ્યોગપતિઓના હાથમાં નાંખી દીધી છે. યુવાનો પ્રવેશ લેવા જાય તો લાખો રૂપિયાનું ડોનેશન માગવામાં આવે છે. આવી સ્થિતિમાં યુવાનો કેવી રીતે શિક્ષણ મેળવે ? ગુજરાતમાં માત્ર અમીરોનું દેવું માફ થાય છે. ગરીબ ખેડૂતોનું દેવું માફ નહીં થાય, મોદીજી તમે નેનોને ૩પ હજાર કરોડ રૂપિયા આપ્યા, આટલા નાણામાં તો આખા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થઈ જાત. જય શાહની કંપનીના રાતોરાત થયેલા વિકાસના મુદ્દે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી. કહેનારા મોદી જય શાહની કંપની વિશે કેમ કંઈ બોલતા નથી ? દેશમાં મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા ફલોપ ગયા પણ એક જ જય શાહની કંપની તેજ ગતિમાં ઉપર ગઈ. મોદીએ ગુજરાતમાં ઘણા ભાષણો કર્યા પણ જય શાહ અંગે એક વાકય પણ કીધું નહીં. મોદીજી માત્ર એક વાકય તો કહી દો હવે ખવડાવવાનું શરૂ કરી દીધું છે કે શું ? વધુમાં રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે કોંગ્રેસ પાર્ટી બધાની પાર્ટી છે અને હું અહીંયા ગુજરાતના યુવાનોના દિલમાં રહેવા દર્દને સાંભળવા માટે આવ્યો છું હું તમારા માટે જે પણ કંઈ કરી શકું તે પુરા દિલથી કરવા તૈયાર છું હું વિશ્વાસ આપું છું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો તે સરકાર ગુજરાતની દરેક ગરીબ, યુવા, મજદુર, ખેડૂતોની સરકાર હશે. એટલે કે પ્રજાની સરકાર હશે.
રાહુલ ગાંધીએ નોટબંધી વિશે જણાવ્યું કે નોટબંધી બાદ બે ત્રણ દિવસમાં તો મોદીજીને પણ ન સમજાયું કે શું થયું ? પાંચ છ દિવસ બાદ તેમને સમજાયું કે ભાઈ આ તો ખોટું થયું. રૂા.૧પ લાખ ખાતામાં આવવાના વાયદા મુદ્દે રાહુલે કહ્યું કે રૂા.૧પ લાખની વાતો માત્ર ચૂંટણી જીતવાનું એક ઠાલુ વચન હતું. પ્રવચનના અંતમાં રાહુલે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે કહીને જણાવ્યું હતું કે ‘ર૦૧૭ મતલબ ભાજપા કો ખતરા.’
અલ્પેશનો ટંકાર ‘અબ કી બાર કોંગ્રેસ કી સરકાર’
ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં અને હજારોની જનમેદની વચ્ચે ગાંધીનગરના રામકથા ગ્રાઉન્ડ ખાતે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાતાં રાહુલ ગાંધીએ તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીએ બુલંદ અવાજમાં નારા બોલાવી ચિચિયારીઓ પાડી અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં પ્રવેશને વધાવી લીધો હતો.