અમદાવાદ,તા.ર૩
પાટીદાર અનામત આંદોલનથી છેડો ફાડયો બાદ ભાજપમાં જોડાયેલા રેશમા પટેલ અને વરૂણ પટેલે પાસના નેતા હાર્દિક પટેલની ઉપર આક્ષેપો કરતા કહ્યું કે હાર્દિક કોંગ્રેસનો એજન્ટ છે તે હોટલના સીસીટીવી ફુટેજના આધારે સાબિત થઈ ગયું છે. ત્યારે રેશમા અને વરૂણની સંયુકત પત્રકાર પરિષદ વેળા જ કેટલાક પાટીદાર આંદોલનકારીઓએ ત્યાં આવીને ‘જય સરદાર જય પાટીદાર’ના નારા લગાવી હોબાળો મચાવ્યો હતો. ત્યારે પત્રકાર પરિષદને અડધેથી અટકાવવી પડી હતી. ભાજપમાં જેાડાયા બાદ વરૂણ, અને રેશમા પટેલે યોજેલ પ્રેસ કોન્ફરન્સ કે જેમાં રેશમા પટેલે હાર્દિક પટેલ પર ઘણા આકરા પ્રહારો કર્યા હતા. રેશમા પટેલે હાર્દિક એ કોંગ્રેસનો એજન્ટ છે તેવું નિવેદન આપ્યું હતું. તેમજ કહ્યું કે તેઓ આરક્ષણ આપ્યા પહેલા જ કોંગ્રેસની વાહ-વાહ કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસમાં જોડાયા તે પહેલા જ કોંગ્રેસની વાહ વાહ કરે છે. હવે હાર્દિક પટેલના દરેક ચીઠ્ઠા પણ બહાર આવી ગયા છે. અમે આ મામલે કોંગ્રેસને પત્ર લખીને પ્રશ્ન પૂછયો હતો. હાર્દિક પટેલ સમગ્ર પાટીદાર સમાજને ઉલ્લુ બનાવી રહ્યા છે. આજે હાર્દિક પટેલ હવે ખુલ્લો પડી ગયો છે હાર્દિક પટેલ મોટું ષડયંત્ર પણ ઘડી રહ્યો છે. જો હાર્દિકના મનમાં પાપ ન હોત તો તે મોઢું સંતાડીને બહાર ન નિકળ્યો હોત હાર્દિક પટેલ ગંદુ રાજકારણ કરી રહ્યો છે જો હાર્દિકને રાજકારણ કરવું હોય તો ખુલ્લેઆમ કરે પરંતુ હવે હાર્દિકને ર૦૧૭ની ચૂંટણીમાં જવાબ આપવો પડશે. પાટણના મંચ પરથી હાર્દિકે એમ કહ્યું હતું કે કોંગ્રેસને વિશ્વાસ આવે તેવું કરો હાર્દિક પર રૂા.રપ લાખના આક્ષેપો પણ લાગ્યા હતા હવે હાર્દિકની એક પણ ખોટી વાત સ્વીકારીશ નહીં. પરંતુ અંતે રેશમા પટેલ અને વરૂણ પટેલની આ પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો મચી ગયો હતો અને હોટેલ માલિકે અધવચ્ચેથી જ આ પ્રેસ કોન્ફરન્સ અટકાવી દીધી હતી. પ્રેસ કોન્ફરન્સ અટકાવનાર યુવકોને રેશમાએ કોંગ્રેસના એજન્ટો જ ગણાવ્યા.