(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.રપ
વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે સુરતના ટેક્સટાઈલ વેપારી આગેવાન અને જીએસટી વિરૂદ્ધની લડાઈમાં આગેવાની લેનારા તારાચંદ કાસટે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. ૩ર વર્ષથી ભાજપમાં સેવા કરનારા કાસટ અગાઉ ઉધનામાંથી કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા. ટેક્સટાઈલ માર્કેટમાં ભાજપના કન્વીનર પદે રહેલા કાસટે રાજીનામું આપતા રાજકીય માહોલ તેજ બન્યો છે. તારાચંદ કાસટએ સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાળાને પત્ર લખતાં જણાવ્યું હતું કે પાર્ટીમાંથી તેમને કોઈ જાતનો સાનુકૂળ પ્રતિસાદ મળતો ન હોવાથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. સાથે પાર્ટીમાં ચાપલુસી અને ચમચાગીરી વધારે હોય પોતાની અવગણના થતી હોવાનો આરોપ તેમણે લગાવીને રાજીનામું મોકલી આપ્યું હતું. તારાચંદના રાજીનામાથી રાજકારણમાં નવી ચર્ચાઓ જાગી છે અને રાજકીય માહોલ ગરમ થયો છે. વધુમાં તેમણે ખૂબ જ દુઃખદ સાથે જણાવ્યું કે મેં છેલ્લા ૩૨ વર્ષથી ભાજપાની તન મન ધનથી સેવા કરી છે. પાર્ટીને સમર્પિત થઈને કામ કર્યું છતાં પાર્ટી દ્વારા આજ સુધી કોઈપણ પ્રકારનું મહત્ત્વ આપ્યું નથી. જીએસટી અંગેની વેપારીઓની લડતમાં પણ પાર્ટીએ મારી અવગણના કરી છે. પાર્ટીની વોટ બેંક વેપારી હોવા છતાં વેપારીઓ સાથે અન્યાય થયો છે. હું વેપારીઓ અને સમાજ સાથે છું તેથી ભાજપના વોર્ડ નં.૨૧ મજુરા વિધાનસભામાં પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું. તારાચંદ કાસટ અગાઉ ફોસ્ટાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. હાલ સુરત ટેક્સટાઈલ જીએસટી સંઘર્ષ સમિતિના કન્વીનર છે.
અગ્રણી રાજકારણીઓએ જણાવ્યું હતું કે તારાચંદ કાસટ આગામી સમયમાં રાહુલ ગાંધીની ૩ નવેમ્બરના રોજ સુરતમાં થનાર સભામાં કોંગ્રેસની કંઠી બાંધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.