(એજન્સી) પુણે, તા.રપ
ઉદ્યોગપતિ અને માણિકચંદ સમૂહના સીએમડી રસિકલાલ માણિકચંદ ધારીવાલનું મંગળવારે સાંજે એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. ડૉક્ટર અને પરિવારના સૂત્રો મુજબ તેમના ઘણા અંગો કામ કરતાં બંધ થઈ ગયા હતા. હોસ્પિટલના સૂત્રો મુજબ ૭૯ વર્ષીય માણિકચંદ કેન્સરથી પીડિત હતા. તેઓને ૪ સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરે જણાવ્યું કે તેમના પુરા શરીરમાં કેન્સર ફેલાઈ ગયું હતું. શીરૂરમાં પેદા થયેલા ધારિવાલને તેમના પિતાના વિરાસતમાં ર૦ કર્મચારીઓ સહિત બીડીનું કારખાનું મળ્યું હતું. ત્યારબાદ તેઓએ પિતાના બીડીના બિઝનેસને આગળ વધારતા ગુટખા બિઝનેસ ચાલુ કર્યું હતું અને ત્યારબાદ તેઓએ ગુટખા બિઝનેસમાં સફળતા મેળવતા ગુટખા કિંગ કહેવાતા હતા. ધારિવાલને ઘણા રાજકીય નેતાઓ સાથે નિકટના સંબંધો હતા તેઓ ર૧ વર્ષથી શિરૂર મ્યુનિ. કાઉન્સિલના નેતા રહ્યા હતા. ત્યારબાદ તેમના પુત્ર પણ હાલમાં કાઉન્સિલ નેતા છે. તેઓ તેમની પાછળ તેમના પત્ની સાથે ચાર પુત્રીઓ અને એક પુત્ર છોડીને ગયા છે.