નવી દિલ્હી, તા. ૨૫
NDTVમાં મોટી ભાગીદારી ખરીદવામાંથી સ્પાઇસ જેટના અજયસિંહ ખસી ગયા હોવાની સ્પષ્ટ જાણકારી મળી રહી છે. અજયસિંહે બહાર થવાના કારણમાં નબળી આર્થિક સ્થિતિ તથા ગુંચવણભર્યા કાયદાકીય કેસોનો હવાલો આપ્યો હતો જ્યારે મુકેશ અંબાણી સાતે સંલગ્ન ફર્મે એનડીટીવીમાં મોટાભાગની હિસ્સેદારી ખરીદી હોવાના એજન્સીઓને ચોક્કસ અહેવાલ મળ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે,આ સોદામાંથી અજયસિંહ ખસી ગયા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ પોતાની સાથે સંલગ્ન કંપનીઓ અને ટ્રેડિંગ ફંડ્સ દ્વારા એનડીટીવીની ૫૧ ટકા હિસ્સેદારી ખરીદી છે.
આ સોદાને કારણે એનડીટીવીના શેરમાં કોઇ મોટો ફેર પડ્યો નથી. એનડીટીવીના શેર હાલ ગુંચવણભર્યા કેસોને કારણે તબક્કાવાર નીચે આવી રહ્યા હતા. ચોથી સપ્ટેમ્બરે એનડીટીવીના શેરની કિંમત ૩૯ રૂપિયા હતી. ૧૧મી ઓક્ટોબરે તેના ભાવ ૭૨ રૂપિયાથી વધુ હતા. હાલ ૨૩મી ઓક્ટોબરે સ્ટોક એક્સચેન્જ બંધ થવા સુધી તેની કિંમત ૬૨.૫૦ રૂપિયા છે. એનડીટીવીના સ્થાપક પ્રણોય રોય અને તેમના પત્ની રાધિકા રોય અને તેમની શેલ કંપનીની એનડીટીવીમાં ૩૦ ટકા હિસ્સેદારી હતી. તાજેતરમાં ૨૦૧૦માં આશરે ૪૦૦ કરોડનું રોકાણ કર્યા બાદ મુકેશ અંબાણી અને તેમની સાથે સંલગ્ન કંપનીઓએ તેના ૩૫થી ૩૮ ટકા શેર ખરીદ્યા હતા. બાકીના બચેલા ૩૨ શેરમાં વ્હીસલ બ્લોઅર સંજય દત્ત અને અન્ય ૪૦,૦૦૦ શેર હોલ્ડરોનો હિસ્સો છે. હવે એવું જાણવા મળી રહ્યું છે કે, આ શેર મુકેશ અંબાણી સાથે મૈત્રીભર્યા સંબંધો ધરાવતા અથવા તેમની સાથે સંલગ્ન ઓપરેટરોની ભાગીદારી છે જેઓની હવે એનડીટીવીમાં ભાગીદારી વધીને ૫૧ ટકા થઇ ગઇ છે. જોકે, હવે સવાલ એ થાય છે કે, એનડીટીવીમાં તેઓ હિસ્સેદારી ખરીદવા શા માટે રસ ધરાવવા લાગ્યા જ્યારે તેઓની પહેલા જ સીએનએન-આઇબીએન, નેટવર્ક ૧૮ જેવી મોટાભાગની સ્થાનિક ભાષાની ચેનલો પર અંકુશ ધરાવે છે.