અમદાવાદ, તા.૨૫
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની દૃષ્ટિથી શહેરના ત્રણ વોર્ડમાં ઈ-કલીનીક પાયલોટ પ્રોજેકટનો આરંભ કરવામા આવ્યો છે જેના દ્વારા દર્દીઓની ઓનલાઈન ચિકિત્સાનો આરંભ થવા પામ્યો છે.હાલ આ પ્રોજેકટ અમદાવાદ શહેરના નવરંગપુરા, સરદારનગર અને જોધપુર એમ કુલ ત્રણ વોર્ડમાં શરૂ કરવામા આવ્યો છે.આ અંગે સત્તાવારસૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા અમદાવાદમાં ઈ-કલીનીક શરૂ કરવામા આવ્યા છે.ગત સપ્ટેમ્બર માસથી અમદાવાદ શહેરના ત્રણ વોર્ડ નવરંગપુરા,સરદારનગર અને જોધપુર એમ ત્રણ વોર્ડમા આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર ખાતે સારવાર લેવા આવતા વિવિધ રોગના દર્દીઓનો ડેટાબેઝ રેકોર્ડ તૈયાર કરી તેમને ઓનલાઈન સારવાર આપવામા આવી રહી છે.સૂત્રો તરફથી મળતી વિગતો પ્રમાણે અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવતા દર્દીઓને તેમના નામ અને મોબાઈલ નંબર રિસેપ્શન ડેસ્ક ઉપર આપવાના રહે છે ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ દ્વારા તેમનો એક ડેટાબેઝ રેકોર્ડ તૈયાર કરવામા આવે છે.આ રેકોર્ડ તૈયાર કરવામા આવ્યા બાદ દર્દીને ઓનલાઈન ડાયગ્નોસીસ ઉપરાંત દવાઓ કઈ અને કયા કેવી રીતે લેવી તે માટે તબીબો દ્વારા તેમને ઓનલાઈન સુચના આપવામા આવે છે આ દરમિયાન દર્દીને સારવાર કે રોગને લઈ થતા પ્રશ્નોના જવાબ પણ તબીબો દ્વારા આપવામા આવી રહ્યા છે.મહત્વની બાબત એ છે કે,આ ઓનલાઈન સર્વિસ સમયે તબીબ પાસે દર્દીના કેસની સમગ્ર હીસ્ટ્રી પણ ઉપલબ્ધ રહેશે જેથી દર્દીને થતા કોંપ્લીકેશન,રીએકશન સહિતની તમામ બાબતોથી તબીબ પોતે પણ વાકેફ હશે.તબીબ પાસે દર્દીના કેસ હીસ્ટ્રીની સાથે દર્દીને આપવામા આવતી મેડીસીન અને તેના બ્લડ રિપોર્ટની વિગત પણ ઉપલબ્ધ રહેવાની છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક સિનિયર અધિકારીના કહેવા પ્રમાણે આવનારા સમયમાં અમદાવાદ શહેરમા આવેલા તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર સારવાર માટે આવતા દર્દીઓની કેસ હીસ્ટ્રીને આધાર સાથે લિંકઅપ કરવામા આવશે આ સાથે જ શહેરના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોને પણ ઈ-કલીનીક પ્રોજેકટથી આવરી લેવામા આવશે.આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવનારા સમયમા સમગ્ર અમદાવાદ શહેરને ઈ-કલીનીક ચિકીત્સા પધ્ધતિથી આવરી લેવા નિર્ણય કરવામા આવ્યો છે.