ગાંધીનગર,તા. ૨૫
ગુજરાતમાં છેલ્લા ૧૩ દિવસના ગાળામાં ૧૧૦૦૦ કરોડના પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યા છે. ૧૨મી ઓક્ટોબરના દિવસે હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતી વેળા ગુજરાતની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત ન થતા ચૂંટણી પંચની વ્યાપક ટિકા થઇ હતી. જો કે ચૂંટણી કાર્યક્રમ જાહેર ન થતા ગુજરાત સરકારને વધુ કેટલીક રાહત મળી ગઇ હતી. વધુ કેટલીક યોજના જાહેર કરી દેવામાં આવી હતી. છેલ્લા ૧૩ દિવસના ગાળામાં જ ગુજરાતમાં ૧૧૦૦૦ કરોડનમા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. ગઇકાલે મંગળવારના દિવસે જ ગુજરાત સરકારે ૪૩૦૦૦ આશાવર્કર બહેનોના પ્રોત્સાહન માટે તેમની પ્રોત્સાહન રકમમાં ૫૦ ટકાનો વધારો કર્યો હતો. અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના બીજા તબક્કા માટે ૬૭૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. અન્ય કેટલીક જાહેરાત કરવામાં આવી હતી જેમાં ખેડુતો, સરકારી કર્મચારીઓ અને સાથે સાથે પાટીદારો માટે પણ રાહતની જાહેરાત કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઇકાલે મંગળવારને કહ્યુ હતુ કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની વ્યક્તિલક્ષી કલ્યાણકારી યોજનાઓના લાભ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂપિયા ૪૭૦૦૦ નિયત થયેલી છે જેમાં સુધારો કરી રૂપિયા ૧૨૦૦૦૦ અને શહેરી વિસ્તારો માટે વાર્ષિક આવક મર્યાદા રૂપિયા ૬૮૦૦૦ નિયત થયેલી છે જેમાં સુધારો કરીને રૂપિયા ૧૫૦૦૦૦ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરાયો છે. આવક મર્યાદામાં આ મુજબ વધારો કરાતા રાજ્ય સરકાર ઉપર વધારાનો અંદાજે કુલ રૂપિયા ૫૬.૬૩ કરોડનો બોજો પડશે અને વધારાના અંદાજે ૨.૫૦ લાભ લાભાર્થીઓને લાભ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, વર્તમાન સરકારે સામાજિક સેવાઓને વિશેષ મહત્વ આપ્યું છે. રાજ્યની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ વિવિધ નબળા વર્ગો તથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે જેના ભાગરુપે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની વિવિધ વ્યક્તિલક્ષી કલ્યાણકારી યોજનાઓમાં અનુસૂચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિકરીતે પછાત વર્ગો, આર્થિક પછાત વર્ગો, વિચરતી વિમુક્ત જાતિઓ, દિવ્યાંગો, વિધવાઓ, નિરાધાર વગેરે લાભાર્થીઓ માટે, યોજનાકીય લાભો મેળવવા માટે હાલની પ્રવર્તમાન આવક મર્યાદામાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.