ભાવનગર,તા.ર૬
સમગ્ર ગુજરાતના દલિત સમાજમાં છવાઈ ગયેલા બોલકા નેતા જીજ્ઞેશ મેવાણીએ ગઈકાલે બુધવારે રાત્રે ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલમાં સભાને સંબોધતા સત્તાધારી ભાજપ પક્ષની રીતિનીતિને આડે હાથ લીધી હતી કહ્યું હતું કે આજે ગુજરાતના પાટીદારો, દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ અને ઓબીસી સહિતના તમામ સમાજના લોકો ભાજપના ત્રાસથી કંટાળી ગયા છે. આ તમામ સમાજના લોકો રોડ ઉપર આવી ગયા છે. આ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી બની રહેવાની છે. કારણ કે આ વખતે અગાઉની ચૂંટણીઓમાં મુખ્ય રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકરો પ્રચાર માટે રોડ ઉપર આવી જતા હતા. પરંતુ હવે ભાજપની રીતિનીતિ સામે લોકો રોડ ઉપર આવી ગયા છે. આ અગાઉ એક જ માણસ બોલતો હતો અને લોકો સાંભળતા હતા આ વખતે પાટીદારો બોલે છે. દલિતો બોલે છે, ઓબીસી વર્ગ બોલે છે. યુવા વર્ગ બોલે છે. ખેડૂતો બોલે છે અને તમામ લોકો મક્કમતા સાથે બોલે છે. અત્યારે માપ કઢાવો તો છપ્પનની છાતીની હવા ટાઈટ થઈ ગઈ છે. હવે ચૂંટણી નજીક આવી છે ત્યારે ભાજપના નેતાઓના ચહેરા ઉપર ઉદાસીનતા દેખાઈ છે. હાર ભાળી ગયા છે. ભાજપના નેતાઓના ઘરે બીપી સહિતની અન્ય દવાઓ મોકલી દેજો કારણ કે હવે ભાજપને દવાઓની જરૂર પડશે.
જીજ્ઞેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં જય શાહનો વિકાસ કઈ રીતે થયો તેનો ખુલાસો અમો દરેક જિલ્લાઓના વહીવટી અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓને પૂછીશું કે જય શાહનો વિકાસ કઈ રીતે થયો હવે ચૂંટણીના દિવસો નજીક આવ્યા છે ત્યારે છેલ્લા રર વર્ષથી વહીવટ કરતા વહીવટદારો પાસે હિસાબ માંગવાના દિવસો આવ્યા છે. કહેતા હતા ખાતો નથી અને ખાવા દેતો નથી આતંકવાદને ખતમ કરી દેશું ગરીબી બેકારી નાબૂદ કરી દેશું આમ કહી કહીને લોકોને છેતર્યા છે આજે બેકારી છે યુવાનોને નોકરી અને રોજગારી મળતી નથી પેટ્રોલ-ડીઝલ સહિતની ચીજવસ્તુઓમાં ભાવો વધી ગયા છે. નોટબંધી અને જીએસટીનો માર પ્રજાએ ખાધો છે. તેથી જ હવે લોકોએ જ નક્કી કરી લીધું છે કે આ વખતે તો ભાજપને પાડી દ્યો તેમ જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું. આજે રાજ્યમાં ૪પ હજારથી વધુ બાળકો કુપોષક છે. ખેડૂતો હેરાન પેરશાન છે, શ્રમીકોને રોજી મળતી નથી, ગરીબી બેકારી, ભૂખમરાએ માજા મૂકી છે. ત્યારે ભાજપના નેતાઓ આ તમામ બાબતો લોકો ભૂલી જાય તે માટે ઘણા લોકોને આતંકવાદી ચીતરે છે અને અફઝલ સૈયદની સાથે જોડી દઈ લોકોનું ધ્યાન બીજે દોરવાની કોશિશ થઈ રહી છે. આ બધું જોતા તેથી હવે ભાજપના ગુજરાતમાંથી વળતા પાણી છે. ગુજરાતમાં ગરીબોની, પછાતોની અને ઓબીસીની સરકાર બનશે. તેમાં કોઈ બે મત નથી, તેમ જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું.