(એજન્સી) વોશિંગ્ટન,તા.૨૬
રીપબ્લિકન પક્ષના બે સેનેટરોએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રહારો કરતા રીપબ્લિકનોમાં તંગદિલી વ્યાપી ગઇ હતી. બંને સેનેટરોએ એવો આક્ષેપ કર્યો છે કે ટ્રમ્પે અમેરિકન રાજનીતિનું અવમૂલ્યન કર્યુ છે અને વિદેશમાં દેશની આબરુ ઘટાડી છે. રીપબ્લિકન પક્ષના બે સેનેટર જેફ ફ્લેક અને બોબ પોર્કરે ડોનાલ્ડ ટ્રમ્પને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતા.
સેનેટના ફ્લોર પર એક લાગણીસભર વક્તવ્યમાં જેફ ફ્લેકે ટ્રમ્પની શાસન પદ્ધતિને વારંવાર નિશાન બનાવીને જણાવ્યું હતું કે અમેરિકાની રાજનીતિ હવે બેફામ જુલ્મી અને અશોભનીય બની ગઇ છે. હું આ મુદ્દે શાંત રહીશ નહીં એવું એરીઝોનાના સાંસદ જેફ ફ્લેકે જણાવ્યું હતું. બીજી બાજુ રીપબ્લિકન પાર્ટીના એક બીજા સાંસદ બોબ પોર્કરે ટ્રમ્પ પર દેશને નીચું દેખાડવાનો આરોપ મૂકતા જણાવ્યું હતું કે જો તેમને બીજી વાર તક મળશે તો તેઓ ટ્રમ્પને ક્યારેય સમર્થન આપશે નહીં.
આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે સેવા નિવૃત્ત થનારા બોબ પોર્કર પર પક્ષના કર સુધારાના પ્રયાસમાં રોડાં નાખવાનો આરોપ મૂક્યો હતો. પોર્કરે જણાવ્યું હતું કે ટ્રમ્પ સત્ય સ્વીકારવા માગતા નથી અને રાષ્ટ્રપ્રમુખ તરીકે તેઓ પોતાના કાર્યકાળમાં અમેરિકાને નીચું દેખાડનાર તરીકે ઓળખાશે. મને લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્ર પ્રમુખની ગરિમાને અનુરૂપ વ્યવહાર કરી રહ્યા નથી.
જો કે વ્હાઇટહાઉસની પ્રવક્તા સારાહ સેન્ડરે ફ્લેક અને પોર્કરની ટિપ્પણીઓ ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે ટ્રમ્પ એવા સેનેટર્સ ઇચ્છે છે કે જેઓ તેમના નીતિ વિષયક લક્ષ્યાંકો પર પ્રગતિ કરી શકે.