(એજન્સી) મુંબઈ, તા.ર૬
મુંબઈ પોલીસના એક પૂર્વ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે મને કોઈ શક્યતા દેખાતી નથી કે ભાગેડુ ડોન દાઉદ ઈબ્રાહીમને અમે ભારત પાછો લાવી શકીશું કારણ કે એ પાકિસ્તાનના આઈએસઆઈ પાસે બંધક સ્વરૂપે છે. દાઉદ ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર એમ.એન.સિંગે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હું એમ નથી કહેતો કે અમે એના દ્વારા કરેલ ગુનાઓને ભૂલી જઈએ પણ દાઉદ ભારત પાછો આવશે એ વાત આપણને ભૂલવી પડશે. પાકિસ્તાન એને કયારેય ભારત આવવા દેશે નહીં. જો દાઉદ ભારત આવવાનો પ્રયાસ પણ કરશે તો આઈએસઆઈ એની હત્યા કરી નાંખશે. એ આઈએસઆઈ પાસે બંધક છે. મુંબઈમાં જો કે દાઉદનો ભય હવે ઘટી ગયો છે. અમને એ વાત માનવી પડશે કે આ પ્રકારની ગેંગોને સ્થાનિક રાજકારણીઓ અને પોલીસનું પણ સમર્થન છે. હું દુઃખ સાથે જણાવું છું કે, જ્યારે હું મુંબઈ બ્લાસ્ટ કેસની તપાસ કરી રહ્યો હતો ત્યારે મને બે અધિકારીઓની સંડોવણી જણાઈ આવી હતી. મેં એમને બરતરફ કર્યા હતા. આ કાર્યક્રમમાં થાણાના પોલીસ કમિશનર પરમબીરસિંગે કહ્યું હું દાઉદના ભાઈ ઈકબાલ કાસકરના કેસની તપાસ કરી રહ્યો છું. મને પણ શંકા છે કે, થાણેના સ્થાનિક કોર્પોરેટરોના સંબંધો એની સાથે છે.