અમદાવાદ, તા.૨૬
શહેરના પૂર્વ વિસ્તારમાં તસ્કરોએ દિવાળીના તહેવારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે તરખાટ મચાવ્યો છે. વસ્ત્રાલ અને રામોલમાં એક જ રાતમાં ૧૫ ફલેટના તાળા તૂટવાની ઘટનાની તપાસ હજુ ચાલી રહી છે ત્યાં શહેરના મણિનગર, શાહઆલમ અને ઇસનપુર વિસ્તારમાં પણ તસ્કરોએ તરખાટ મચાવી સાડા છ લાખ રૂપિયાની મતાની ચોરી કરી ભારે ચકચાર જગાવી છે. પોલીસે આ ત્રણેય બનાવો અંગે વધુ તપાસ હાથ ધરી છે. તસ્કરોનો ત્રાસ પૂર્વ વિસ્તારમાં ચાલુ રહેતાં સ્થાનિક રહીશોમાં પોલીસ પરત્વે રોષ જાગ્યો છે.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના મણિનગર વિસ્તારમાં નૂતન પાટીદાર સોસાયટીમાં રહેતા અને માધપુરામાં સૂકા લસણનો વેપાર કરતાં રાજેશ જયંતિલાલ શાહ દિવાળીના તહેવારના દિવસે તેમના પરિવાર સાથે કચ્છ ફરવા માટે ગયા ત્યારે તસ્કરો તેમના ઘરનો દરવાજો તોડી સોના-ચાંદીના દાગીના સહિત રૂ.૪.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરીને પલાયન થઇ ગયા હતા. ગઇકાલે રાજેશભાઇ પોતાના ઘેર પરત આવ્યા ત્યારે જોયું તો ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો હતો અને ઘરનો સરસામાન વેરવિખેર પડયો હતો, જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બીજા એક બનાવમાં, શાહઆલમ વિસ્તારમાં નવાબ રેસીડેન્સી ખાતે રહેતા રફીકભાઇ ઇસ્માઇલભાઇ શેખ તેમના પરિવાર સાથે ઉના પાસે મેળામાં ગયા હતા એ દરમ્યાન કેટલાક તસ્કરોએ તેમના ઘરમાં ત્રાટકી રૂ.૧.૬૭ લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ બનાવ અંગે ઇસનપુર પોલીસને જાણ થતાં પોલીસે જરૂરી તપાસ હાથ ધરી હતી. અન્ય એક બનાવમાં ઇસનપુર વિસ્તારમાં શિવ રો હાઉસમાં રહેતા મોહનસિંહ અસલસિંહ રાજપૂત દિવાળી વેકેશન હોવાથી રાજસ્થાન ફરવા માટે ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના ઘરમાં ઘૂસીને પણ રૂ.૨૫ હજારની મતાની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા. તસ્કરોએ મોહનસિંહના ઘરની બહાર લગાવેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ તોડી નાંખ્યું હતું. પોલીસે આ અંગે પણ તપાસ હાથ ધરી હતી. જો કે, ઉપરોકત ત્રણેય બનાવોને પગલે પૂર્વમાં તસ્કરોના તરખાટની સ્થિતિને લઇ સ્થાનિક રહીશો પણ ભારે રોષે ભરાયા છે. પોલીસ દ્વારા આવા તસ્કરોને પકડી સખત નશ્યત કરવામાં આવે તેવી પણ સ્થાનિકોમાં લાગણી પ્રવર્તી રહી છે.