શહીદે આઝમ હઝરત ઈમામ હુસૈન (રદિઅલ્લાહુ ત્આલા અન્હુ) અને તેમના ૭ર જાંનિસાર સાથીઓએ કરબલાના ધોમધગતા રણમાં ત્રણ દિવસ ભૂખ્યા અને તરસ્યા છતાં યઝીદના લશ્કર સામે બરાબર ટક્કર ઝીલી ઈસ્લામના પરચમને બુલંદ કર્યો હતો અને શહાદત વ્હોરી હતી. તેઓએ શહીદ થવાનું પસંદ કર્યું પરંતુ ઝાલીમ યઝીદ બાદશાહની બયઅત કબૂલ કરી ન હતી, આથી જ વિશ્વભરમાં આજે તેમની શહાદતને યાદ કરવામાં આવે છે. હઝરત ઈમામ હુસૈન(રદિઅલ્લાહુ ત્આલા અન્હુ)ની શહાદતનો હેતુ પ્રજા સુધી પહોંચે તે હેતુથી હુસૈન ફોર જસ્ટિસ ટીમ તરફથી અમદાવાદ સહિત દેશના ૩૦ શહેરોમાં ૭૦થી વધુ સ્થળોએ ૧ લાખથી પાણીની બોટલોનું વિતરણ કર્યું હતું. અમદાવાદમાં ઈસ્કોન ચાર રસ્તા, લો ગાર્ડન, ગીતા મંદિર, કાલુપુર રેલવે સ્ટેશન, કાંકરિયા વગેરે વિસ્તારમાં ૭૦થી વધુ સ્વયંસેવકોએ ૧૦ હજાર પાણીની બોટલો વિતરણ કરી હતી અને સંદેશો આપ્યો હતો કે હઝરત ઈમામ હુસૈન (રદિઅલ્લાહુ ત્આલા અન્હુ) સમગ્ર માનવજાત માટે રોલ મોડેલ છે.