અમદાવાદ, તા.ર૭
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગઢમાં ગાબડું પાડવા માટે નવેમ્બરમાં સદ્ભાવના રેલી યોજશે. આ રેલીમાં અનામત,ખેડૂતો અને બેરોજગાર યુવાનોના પ્રશ્નોને ઉઠાવાશે. જો કે નવેમ્બરની શરૂઆતમાં જ હાર્દિક પોતાનું વલણ સ્પષ્ટ કરશે. પાસના કન્વીનર હાર્દિક પટેલે મીડિયાને જણાવ્યું હતું કે નવેમ્બર મહિનાના પ્રથમ અને બીજા અઠવાડિયામાં રાજકોટમાં જંગી સદ્ભાવના રેલીનું આયોજન કર્યું છે. જેના માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને કાર્યક્રમને આખરી ઓપ આપી દેવાયો છે. આ રેલીમાં તમામ સમાજોને સાથે રાખીને યોજાવાનું આયોજન હોવાથી સમગ્ર સૌરાષ્ટ્ર આ રેલીમાં ઉમટી પડશે. રાજકોટમાં યોજાનારી આ સદ્ભાવના રેલીમાં અનામત, ખેડૂતોના પ્રશ્ન અને બેરોજગાર યુવાઓના પ્રશ્નોને આવરી લઈશું. વધુમાં હાર્દિકે કહ્યું હતું કે તા.૧ કે તા.ર નવેમ્બરે અમે અમારૂં સ્ટેન્ડ ક્લીયર કરી નાંખીશું. અમને પૂરી શ્રદ્ધા છે કે કોંગ્રેસ અમારા આંદોલનને સમર્થન આપશે. અમે કોંગ્રેસ પાસે કોઈ જ માગણી કરી નથી એમ હાર્દિક પટેલે રાજકોટમાં એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગઢ એવા રાજકોટમાં હાર્દિક જંગી રેલી યોજીને રૂપાણીના ગઢમાં ગાબડું પાડવા માટે મક્કમ છે. ત્યરે ભાજપ સરકાર પણ આ રેલીને મંજૂરી મળતી અટકાવીને ગઢમાં ગાબડું પડતા અટકાવવાનો પ્રયાસ કરી શકે છે તેવી લોકચર્ચા વહેતી થઈ છે.