(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૭
શિસ્તબધ્ધ પાર્ટીની છાપ ધરાવતી ભાજપની સ્થિતિ પણ હવે છેલ્લી કેટલીક ચૂંટણીઓથી કોંગ્રેસ જેવી બની ગઈ છે. આ વખતે વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગીમાં પણ જે રીતે ચાર હજારથી સાડા ચાર હજાર જેટલા ટિકિટના દાવેદારો ધસારો થતા અને તે સાથે ટિકિટ મેળવવા માટે રજૂઆતો દબાણોની રીતરસમ અપનાવાતા પાર્ટીના અગ્રણીઓ માટે કવાયત વધી જવા પામી છે. આગળ જતા ઉમેદવારીની પસંદગીમાં કાચું કપાય તો સ્થિતિ વણસીના જાય તે દેશમાં ગંભીર વિચારણા સાથે ઉમેદવારોની પસંદગી માટે માઈક્રો સ્ક્રૂટીની હાથ ધરવી પડી રહી છે. આ વખતે ભાજપ દ્વારા સીટિંગ ધારાસભ્યો પૈકી પ૦ ટકાથી વધુનો છેદ ઉડી જાય અને તેમાં કેટલાક મંત્રીઓનો પણ ભોગ લેવાય તેવી ભાજપના ખાસ સૂત્રો પાસેથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ભાજપ માટે વિધાનસભાની આ ચૂંટણી ર૦૧૯ની કેન્દ્ર સરકારની ચૂંટણી માટે અત્યંત મહત્વની મનાઈ રહી હોઈ ભાજપ હાઈકમાન્ડ કોઈપણ જાતની કચાસ રાખવા માંગતુ નથી. વડાપ્રધાન મોદી તથા અધ્યક્ષ અમિત શાહ આ ચૂંટણી જંગને અત્રે સંપૂર્ણ તથા વિશેષ ધ્યાન આપી નાનામાં નાની બાબતોમાં ઈન્વોલ્વ થઈ રહ્યા છે. જેના અનુસંધાને જ ઉમેદવારોની પસંદગી માટે ભાજપ પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગોમાં અમિત શાહને હાજર રહેવું પડયું હતું. ભાજપમાં પણ કોંગ્રેસની જેમ હવે જૂથવાદ તથા વ્હાલા-દવલાની નીતિ પ્રવેશ કરી ગઈ હોઈ હાઈકમાન્ડને વિશેષ મહેનત કરવી પડી રહી છે.
ગુજરાત ભાજપના સંસદીય દળની બેઠક ગુરૂવારે સંપન્ન થઈ હતી. આ બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં યોજાઈ હતી. તેમણે વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારો અંગેની કવાયત આદરી હતી. પક્ષના વર્તુળમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ભાજપ તેના હાલના પ૦ ટકા સીટિંગ એમએલએ અને કેટલાય મંત્રીઓને આગામી વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ નહીં આપે ગુજરાત ભાજપના ટોચના નેતાઓના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે દરેક બેઠકો પરથી મળતા ફીડબેક અને કારણો જાણીયા બાદ શકયતા છે કે પક્ષ પ૦ ટકાથી વધુ સીટિંગ ધારાસભ્યોને આ વખતે પુનરાવર્તીત નહીં કરે ખુરશી છીનવાઈ જવામાં કેટલાય મંત્રીઓનો પણ સમાવેશ થવાની શકયતા પણ તેમણે વ્યકત કરી હતી. પાટીદાર અનામત આંદોલન અને અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં ભળવાના કારણે ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ કેટલાય નવા ચહેરા અને ઉમેદવારો જોવા મળશે. જયારે કેટલાય ટિકિટ વાંચ્છુઓના પત્તા પણ કપાઈ જશે ભાજપના સૂત્રએ કહ્યું કે પાર્ટીને ૧૮ર બેઠકો માટે જુદા જુદા સ્થાનિક નેતાઓ તરફથી ચાર હજાર જેટલા રિઝયુમ મળ્યા છે. પાર્ટીઓમાંથી સ્ક્રુટીની કરીને વધુ ઉત્સાહપૂર્વક લોકોના કામ કરવા માંગતા નેતાઓને પસંદ કરશે. કેટલાય એવા એમએલએ અને મિનિસ્ટર છે. જેમણે યોગ્ય પર્ફોમન્સ નથી કર્યું તેઓની ચૂંટણીમાં રીપિટ કરવામાં નહીં આવે કેટલાય હાલના મિનિસ્ટર તથા ધારાસભ્યોએ તો ફરી ટિકિટ મેળવવા માટે દબાણ પણ વધારી દીધો છે. કેન્ડિડેટ નકકી કરતા પહેલા હાલ ભાજપ વિસામણમાં છે કે ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ વચ્ચેની ઈનફાઈટમાં પાર્ટીની ચૂંટણીમાં કયાંય નુકસાન ન પહોંચે આ માટે ભાજપ ખુબ જ સાવધાનીથી આગળ વધી રહ્યું છે. ભાજપ પ્રમુખ અમિત શાહ ર૧ ઓકટોબરથી દરરોજ બેઠકોનો દોર કરી રહ્યા છે અને તેનો તાલુકા સ્તર સુધીના નેતાઓ સાથે આ માટે બેઠક યોજી રહ્યા છે. આ સાથે જો કોઈને ટિકિટ ન અપાય તો તે પાર્ટીને નુકસાનકારક ન બની જાય તે દિશામાં પણ પાર્ટી વિચારી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.