(સંવાદદાતા દ્વારા)
પાલનપુર, તા.૨૭
બનાસકાંઠા જિલ્લામાં વર્ષો પહેલાં વિખૂટા પડેલા ત્રણ બાળકો હાલમાં પાલનપુર આબુ હાઇવે પર હનુમાન ટેકરી નજીક આવેલ ચિલ્ડ્રન હોમમાં આશરો લઈ રહ્યા છે. જેઓ નવી જિંદગીની આશ લગાવી બેઠા છે. પાલનપુરના બાળ રિમાન્ડ હોમમાં વિખૂટા પડેલા વિક્રમ, અરવિંદ અને ધર્મજી નામના ૩ બાળકો નાની વયે કોઈ કારણોસર પરિવારથી અલગ પડ્યા હતા. ૧૨ વર્ષનો અરવિંદ વિશાખાપટ્ટનમમાં રહેતો હતો તે અંગ્રેજી, હિન્દી અને તમિલ ભાષાનો પણ જાણકાર છે ત્યારે ૮ વર્ષનો ધર્માજી મહેસાણાથી અને ચાર વર્ષનો વિક્રમ અમદાવાદથી મળી આવતા તેમને પાલનપુર ચિલ્ડ્રન હોમમાં મોકલવામાં આવ્યા હતા. માસૂમ બાળકોને તેમના પરિવારને મળવા માટે ખૂબ જ ઉત્સુક છે. ચિલ્ડ્રન હોમ દ્વારા વારસદારોની શોધખોળ આદરી હતી. પરંતુ હજુસુધી કોઈ જાણકારી મળી નથી. ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન સુભાષભાઈ સોનેરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ત્રણેય બાળકો બનાસકાંઠાના છે. તેમના પરિવાર સુધી પહોંચવા માટે પ્રયત્ન પણ કરવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ જાણકારી પ્રાપ્ત થઇ નથી. નાની વયે નિરાધાર બનેલા આ બાળકોને ભીખ માંગવાનો વારો આવ્યો હતો. જો કે ત્રસ્ત બાળકો આ જંજાળમાંથી છૂટી અને એક નવા જીવન તરફ જઈ રહ્યા છે ત્યારે અત્યારે તો આ બાળકો માતા-પિતા અને આશ્રયની રાહ જોઈ રહ્યા છે. અત્યારે તો આ બાળકો બાળ રિમાન્ડ હોમમાં નવી જિંદગીની રાહ જોઈ રહ્યા છે.