(એજન્સી) રાયપુર, તા.ર૭
ખંડણીના આરોપસર વરિષ્ઠ પત્રકાર વિનોદ વર્માની શુક્રવારે તેમના નિવાસસ્થાન ગાઝિયાબાદ ખાતેથી છત્તીસગઢ પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ પત્રકાર વિનોદ વર્માને ઈન્દ્રપુરમ પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યાં તેમની પૂછપરછ હાથ ધરાઈ હતી. સૂત્રોએ કહ્યું કે, વર્મા પાસે છત્તીસગઢના મંત્રીની સેક્સ સિડી હતી. તેમની સામે ખંડણી માટે કોલ કરવાનો આરોપ હતો. આજે ગાઝિયાબાદ કોર્ટમાં વર્માને રજૂ કરાયા હતા.
ગિલ્ડ ઓફ ઈન્ડિયા એન્ડ ફ્રિલાન્સ જર્નાલિસ્ટ એસોસિએશનના તેઓ સભ્ય છે. તેઓ મ્મ્ઝ્ર અને અમર ઉજાલા સાથે પણ કામ કરતા હતા. વર્માએ એ સેક્સ સ્કેન્ડલ શોધી કાઢ્યું ત્યારે તેની સામે આરોપો ઘડાયા. કોંગ્રેસે વર્માની તાત્કાલિક મુક્તિ માટે માગણી કરી છે અને મંત્રી સામે કાયદેસર પગલાં લેવાની માગણી કરી છે.
પોલીસે કહ્યું કે, ઓક્ટોબર-ર૬ના રોજ રાયપુરના નિવાસી ભાજપના નેતા પ્રકાશ બજાજે ધમકીની એક ફરિયાદ દાખલ કરી હતી. ફોન પર ધમકી આપનારે કહ્યું કે, તેની પાસે સેક્સ સિડી છે. જો તેનું વળતર નહીં અપાય તો તેને વાયરલ કરી દેવાશે. ત્યારે વર્માનું નામ બહાર આવ્યું હતું. વીડિયો ઓપરેટર પાસે આવી ૧ હજાર સિડી તૈયાર કરાવવાનો વર્માએ ઓર્ડર આપ્યો હતો. વર્માની ધરપકડ બાદ પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, તેઓ છત્તીસગઢ કોંગ્રેસ પ્રમુખ ભૂપેશ બગલના હાલમાં સલાહકાર છે. રાયપુર અને નવી દિલ્હી વચ્ચે સંકલનનું કામ કરે છે. ર૦૧૬માં છત્તીસગઢમાં પત્રકારોની ધરપકડ સામે રચાયેલ સત્યશોધક ટીમના તેઓ સભ્ય હતા. કમિટીએ તારણ કાઢ્યું હતું કે, છત્તીસગઢમાં પત્રકારો ભારે દબાણ હેઠળ કામ કરે છે. તેમના ફોન ટેપ થાય છે.
વર્મા પાસે છત્તીસગઢના મંત્રી રાજેશ મુનાતની સેક્સ સિડી હતી. દરમ્યાન મંત્રી મુનાતે કહ્યું કે સેક્સ સિડી નકલી છે. આ કોંગ્રેસનું કાવતરું છે. આ અંગે મુખ્યમંત્રીએ તપાસ કરાવવી જોઈએ.
કોંગ્રેસના પ્રવક્તા અજય માકને કહ્યું કે, વર્માની ધરપકડ બતાવે છે કે, પ્રેસને સરકારે કેવી રીતે મોઢે ડૂચો લગાવાયો છે. જ્યારે પત્રકાર દરમ્યાન રાયપુરના પોલીસ વડા રાજીવ શુકલાએ કહ્યું કે, વર્માએ બજાજને ધમકીનો ફોન કર્યો હોવાની ખાતરી થઈ નથી. પત્રકારને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંગાયા હતા. જેને કોર્ટે નકારી દીધા હતા. વર્માએ કહ્યું કે, તેની પાસે જે સિડી હતી તે મંત્રી મુનાતને અસર કરતી હતી જેથી તેની સામે આરોપો ઘડાયા છે. વર્મા સામે છત્તીસગઢના રાયપુર પોલીસ મથકમાં ખંડણીનો કેસ દાખલ કરાયો છે. જ્યારે યુપી પોલીસે કહ્યું કે, વર્મા સામે ખંડણી માંગવી, ગુનાખોરી ઈરાદો અને ખોટા કૃત્ય બદલ કેસ દાખલ કરાયો છે. ક્રાઈમ બ્રાન્ચે કેસની તપાસ કરી દિલ્હીના વીડિયો ઓપરેટરની પૂછપરછ કર્યા બાદ વર્માનું નામ સામે આવ્યું હતું. પોલીસે વર્માના નિવાસેથી પ૦૦ સિડી, લેપટોપ અને પેન ડ્રાઈવ અને ડાયરી જપ્ત કરી છે. આપ નેતા આશુતોષે વર્માની ધરપકડને વખોડી નાખી કહ્યું છે કે, મેં પણ આવી સિડી મેળવી છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, વીડિયોમાં મંત્રી કઢંગી હાલતમાં દેખાય છે. મંત્રીને બચાવવા છત્તીસગઢ સરકાર પત્રકારો પર હુમલા કરે છે.
મોદી સરકાર મીડિયાને ‘મંૂગું’ બનાવવાનો પ્રયાસ કરી રહી છે : કોંગ્રેસે પત્રકાર વર્માની ધરપકડને વખોડી
કોંગ્રેસ પ્રવકતા અજય માકને પત્રકાર વિનોદ વર્માની છત્તીસગઢ સરકાર દ્વારા કરાયેલ ધરપકડને વખોડી કાઢી છે. વર્મા છત્તીસગઢના બાંધકામ મંત્રી રાજેશ મુનાતની સેક્સ સંબંધી પ્રવૃત્તિઓની તપાસ કરી રહ્યા હતા. અજય માકને માગણી કરી છે કે, પત્રકાર વિનોદ વર્માને તાકીદે મુક્ત કરાય. આવા બનાવો ભૂતકાળમાં બન્યા છે. પરંતુ મોદી સરકાર દ્વારા પ્રેસની આઝાદી પર હુમલો કરી મીડિયાના મોઢે ડૂચો મારવાની પ્રવૃત્તિ પહેલીવાર જોવા મળી. તેમણે કહ્યું કે, એડિટર્સ ગીલ્ડ ઓફ ઈન્ડિયાના સભ્યની મંત્રી સામેના ગંભીર આરોપની તપાસ બદલ આ પ્રકારે ધરપકડ થતી હોય તો જૂનિયર પત્રકારો ભયભીત થઈ કેવી રીતે કામ કરશે ? કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ એક માત્ર બનાવ નથી. બીજા ઘણા પત્રકારો જેવા કે સુમાસનાગ, સંતોષ યાદવ, માલિની સુબ્રમણ્યમ પણ સરકારના હુમલાનો ભોગ બન્યા છે. માકને કહ્યું કે કેટલાક ભાજપના મંત્રીઓ અને નેતાઓ પત્રકારોને પ્રેસના ટટ્ટુ કરવાનો વડાપ્રધાને મીડિયાને બાજારું ગણાવ્યું હતું. આ તેમની માનસકિતા બોલે છે. તેમણે મીડિયા વિશે વિચારવું જોઈએ. ધરપકડ કરાયેલ પત્રકાર વર્માને તાકીદે છોડી મૂકી આરોપી પ્રધાન સામે તપાસ થવી જોઈએ. ભાજપના નેતાનું બ્લેકમેઈલીંગ કરવા બદલ છત્તીસગઢ પોલીસે પત્રકાર વિનોદ વર્માની ગાઝિયાબાદથી ધરપકડ કરી હતી. વર્માએ આરોપ નકારી કહ્યું હતું કે તેને ફસાવાયો છે.