(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૮
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા રાજકીય પક્ષો દ્વારા પ્રચારની ગતવિધિઓ તેજ બનાવી દેવામાં આવે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ એક પછી એક ગુજરાત આવી રહ્યા છે. તેમાં આજે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે રાજકોટની મુલાકાત લઈ વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે ગુજરાતીમાં જ ‘વિકાસ ગાંડો થયો છે’ બોલતા વધુમાં કહ્યું હતું કે, ઉદ્યોગપતિઓ રોકાણ કરીને રોજગારી આપતા ડરે છે. તેમણે નોટબંધી મુદ્દે કહ્યું હતું કે મને પ્રધાનમંત્રીએ નોટબંધી માટે અમારા સમયમાં કહ્યું હોત તો નાણામંત્રી પદેથી હું રાજીનામું આપી દેત. પરંતુ તે માટે પ્રધાનમંત્રીની વાત સાથે કયારેય સંમત ના થયો હોત.
રાજકોટની મુલાકાતે આવેલ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે જીએસટી સહિતના વિવિધ મુદ્દા ઉપર વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં છણાવટ કરી હતી. પી. ચિદમ્બરમ હંમેશા અંગ્રેજીમાં જ સંબોધન કરતા હોય છે. ત્યારે આજે પણ તેઓ સંબોધન કરી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક જ ગુજરાતીમાં બોલતા કટાક્ષ રૂપે તેમણે વિકાસ ગાંડો થયો છે. એમ કહેતા હાસ્ય ફેલાઈ ગયું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જીએસટી સારો વિચાર છે. પરંતુ કાયદાકીય રીતે તે ખરાબ છે. જીએસટીનો દર સામાન્ય હોવો જોઈએ. આટલી મોટી વસ્તી ધરાવતા દેશમાં એકાએક મોટો ટેક્ષ લોકો પર નાંખી દેવામાં આવે તે યોગ્ય નથી. આ રીતે ર૮ ટકા જીએસટી બહુ કહેવાય તે ન હોવું જોઈએ.
જીએસટી અને નોટબંધી પર જવાબ આપતા પૂર્વ નાણામંત્રીએ જણાવ્યું હતું કે આજના વાતાવરણમાં કોઈ ઉદ્યોગપતિ રોકાણ કરીને રોજગારી આપતા પણ ડરે છે. એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આની સામે કેન્દ્ર સરકાર કહે છે કે ચિંતા નથી બધુ બરાબર છે જયારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કહે છે કે, આમાં ચિંતા છે, આનું કોઈ નિરાકરણ નહીં આવે, પી. ચિદમ્બરમે દેશમાં બુલેટ ટ્રેનની હાલમાં જરૂરિયાત નથી તેમ જણાવતા ઉમેર્યું હતું કે, દેશમાં સૌપ્રથમ લોકોની પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપવું જોઈએ. હાલમાં સંખ્યાબંધ લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. કોંગી અગ્રણી અહમદ પટેલ સામેના ભાજપના આક્ષેપો અંગે તેમણે કહ્યું હતું કે વર્ષ ર૦૧પમાં તેમણે હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે રાજીનામું આપી દીધું હતું. જે વ્યકિતની ધરપકડ થઈ છે તે ટેકનિશિયન હતો. ટેકનિશિયનની કામગીરી માટે ભૂતકાળના ટ્રસ્ટી જવાબદાર કઈ રીતે હોઈ શકે ? તેવો વળતો પ્રશ્ન તેમણે કર્યો હતો.