(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.ર૮
એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ (ATS) દ્વારા તાજેતરમાં ISIS સાથે સંકળાયેલા હોવાના આક્ષેપ સાથે અટકાયતમાં લેવાયેલ એડવોકેટ ઉબેદ મિરઝા તથા લેબ ટેકનિશિયન મોહંમદ કાસીમ સ્ટીમરવાલાએ અંકલેશ્વર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સોગંદનામા રજૂ કરી પોતે નિર્દોષ હોવાનું તથા હાલમાં ચૂંટણીના માહોલને અનુરૂપ રાજકીય ષડયંત્રના ભાગરૂપે ખોટી રીતે સંડોવી દીધાના આક્ષેપ કર્યા હતા.
ATS દ્વારા ગતરોજ મોહંમદ કાસીમ સ્ટીમરવાલા અને એડવોકેટ ઉબેદ મિરઝાને અંકલેશ્વર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં બંનેએ વ્યક્તિગત સોગંદનામા કરી કોર્ટને પોતે નિર્દોષ હોવાનું અને કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા નહીં હોવાનું તેમજ હાલના રાજકીય માહોલને અનુરૂપ ગુજરાત ચૂંટણીને અનુલક્ષી રાજકીય ષડયંત્રના ભાગરૂપે પોલીસે અટકાયત કરી હોવાના આક્ષેપ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મોહંમદ કાસીમ સ્ટીમરવાલાની ર૬/૧૦/ર૦૧૭ના રોજ અંકલેશ્વર મુકામેથી અટકાયત કરાઈ હતી જ્યારે તેની અંગ ઝડતીમાંથી એક મોબાઈલ ફોન અને પેનડ્રાઈવ સિવાય કોઈ ગુનાહિત વસ્તુ મળી આવી ન હતી. પોલીસે ફરિયાદને અનુરૂપ કબૂલાત માટે ખોટું વર્તન તેમજ ગેરરીતિ અપનાવતા હોવાનું તેમજ ફરિયાદને અનુરૂપ કબૂલાત નહીં કરીએ તો એન્કાઉન્ટર કરી દેવાની પણ ધમકીઓ પોલીસ આપતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. આ ઉપરાંત પોલીસ કસ્ટડી દરમિયાન પોતાની સાથે ખોટું વર્તન કરશે તેવી પણ બંને આરોપીઓએ દહેશત વ્યક્ત કરી હતી જ્યારે બચાવ પક્ષના વકીલ યોગેશ પટેલે વર્ષ ર૦૧૪માં કોલકાતા ખાતે આ બનાવ અંગે FIR નોંધાઈ ચૂકી હોય તો પછી ત્રણ વર્ષ બાદ મોબાઈલ તપાસના આધારે અત્રે બીજી FIR કેમ દાખલ કરાઈ તેવો વેધક પ્રશ્ન ઊભો કર્યો હતો. નોંધનીય છે કે સમગ્ર પ્રકરણમાં જે પ્રકારે યહૂદી ધર્મસ્થળને ફૂંકી મારવા ષડયંત્ર કરતા હોવાની જે કેફિયત રજૂ કરાઈ છે તે સંશોધનનો વિષય બનવા પામ્યો છે.
અંકલેશ્વર કોર્ટને જ્યુરીડિકશન લાગુ
ન પડતાં તેની હુકૂમતમાં આવતું નથી
ભરૂચ, તા.ર૮
એટીએસ દ્વારા ISIS સાથે સંકળાયેલા હોવાના આરોપ સાથે અટકાયતમાં લેવાયેલ મો.કાસીમ સ્ટીમરવાલાની અંકલેશ્વર ખાતેથી જ્યારે એડવોકેટ ઉબેદ મિરઝાની સુરત ખાતેથી અટકાયત કરાયા બાદ અંકલેશ્વર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાતા બચાવ પક્ષના વકીલ યોગેશ પટેલે રજૂઆત કરી હતી કે અંકલેશ્વર કોર્ટનો જ્યુરિડિકશન લાગુ પડતું ન હોય તેની હુકૂમતમાં આવતું નથી. જો કે કોર્ટે આરોપીઓને ૬ નવેમ્બર ર૦૧૭ સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ભાજપ આતંકવાદના નામે રાજનીતિ કરવાને બદલે જવાબદારો સામે પગલાં લે
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૮
ATSએ પકડેલા બે કથિત આતંકીઓ અંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને પત્રકારોએ પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપે આતંકવાદના નામે રાજનીતિ કરવાને બદલે જે લોકો આમાં સામેલ હોય તેમની સામે પગલાં ભરવા જોઈએ. આતંકવાદીઓ અંગે ભાજપે પોતાનામાં ઝાંકવાની જરૂર છે. ભાજપનો એક કાર્યકર ISISનો એજન્ટ હતો તે રેકેટ ચલાવતો હતો. ભાજપની સરકારમાં આતંકવાદીઓને છોડવામાં આવ્યા. અઝહર મસૂદને ભાજપના વિદેશમંત્રી પ્લેનમાં બેસાડી રૂા.૯૦૦ કરોડ સાથે કંદહાર મૂકી આવ્યા હતા ત્યારે કોઈએ કોઈના રાજીનામાની માગ કરી ન હતી. અહમદ પટેલ જ્યાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ હોય તેવા કાર્યક્રમોમાં જાય છે ત્યારે ભાજપ ખોટી રીતે આ મુદ્દાને ડાયવર્ટ કરવાના પ્રયત્નો ન કરે.
સરદાર પટેલ હોસ્પિટલને રાજકીય ષડયંત્રના ભાગરૂપે બદનામ કરાય છે
ભરૂચ, તા.ર૮
ISIS સાથે સંકળાયેલા હોવાના આક્ષેપ સાથે ધરપકડ કરાયેલ મોહમ્મદ કાસીમ સ્ટીમરવાલા નામના લેબ ટેકનિશિયલ અગાઉ બે વર્ષ વોકહાર્ટ અને દોઢ વર્ષ નવસારી સ્થિત હોસ્પિટલમાં ફરજ બજાવી ચૂક્યો છે. સરદાર હોસ્પિટલમાં તે છેલ્લા છ માસથી જ ફરજ બજાવતો હતો અને ગત ૪ ઓક્ટોબર ર૦૧૭ના તેણે રાજીનામું પણ આપી દીધું હતું છતાં સરદાર પટેલ હોસ્પિટલને માત્ર રાજકીય ષડયંત્રના ભાગરૂપે બદનામ કરવામાં આવતું હોવાના ટ્રસ્ટી મંડળના સભ્યોએ આક્ષેપ કર્યા હતા.
સરદાર પટેલને બદનામ
કરી રહી છે ભાજપ સરકાર
અમદાવાદ, તા.ર૮
સુરતમાંથી બે આતંકીઓ પકડાયા તેમાંથી એક આતંકી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાંથી પકડાયો હોવાના લીધે અહમદ પટેલ ઉપર મુખ્યમંત્રી રૂપાણીએ આક્ષેપો કરતાં રાજકારણ ગરમાયું છે. ત્યારે આ મામલે પ્રતિક્રિયા આપતાં પૂર્વ પાસના કન્વીનર અને તાજેતરમાં ભાજપથી છેડો ફાડનારા નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે આ આતંકીઓ પકડાયા તે સરદાર પટેલ હોસ્પિટલ છે. સરદાર પટેલના નામવાળી હોસ્પિટલને લીધે ભાજપના નેતાઓ સરદાર પટેલને બદનામ કરી રહ્યા છે. આ સરકાર સરદાર પટેલને પણ છોડવા માંગતી નથી. મારો સીધો આક્ષેપ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપર છે એમ નિખલ સવાણીએ જણાવ્યું હતું.