(એજન્સી) અવધપુર, તા.ર૯
યુપીના પશુપાલન મંત્રી જયપ્રકાશ નિષાદને મળવા આવેલ અવધપુર ગામના મહિલા સરપંચના પતિની મંત્રીના સમર્થકોએ કરેલ મારઝૂડનો અઢી મિનિટનો વીડિયો વાયરલ થતા હડકંપ મચી ગયો હતો. આ ઘટના અવધપુર ગામની છે. ગામના મહિલા સરપંચના પતિ મંત્રીને મળવા ગયા હતા. ગામમાં પરશુરામ વિશ્વકર્માની કોટાની દુકાન હતી. પાંચ મહિના પહેલાં તે કોટા ખતમ થઈ જતાં કોટેદારની પસંદગી માટે ર૮ ઓક્ટોબરે બેઠક યોજાનાર હતી. સરપંચ અનિતા દેવીના પતિ મુન્નાલાલ નિષાદે પશુપાલન મંત્રીના આગમનની જાહેરાત કરી દીધી હતી. તેમના કહેવા મુજબ શનિવારે ગ્રામપંચાયતના મંત્રીનો તેમના પર ફોન આવ્યો કે બેઠક રદ કરવાની મંત્રીએ સૂચના આપી છે. તે સમયે રાજ્યમંત્રી જયપ્રકાશ નિષાદને મળવા માટે પ્રધાનપતિ ગયા હતા. ત્યારે પશુપાલન મંત્રી જયપ્રકાશ તેમને ગાળો બોલવા લાગ્યા. તે સમયે દેવેન્દ્રસિંહ અને અન્ય સમર્થકોએ પ્રધાનપતિની મારઝૂડ કરી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે. પશુપાલન મંત્રીએ આ ઘટના મારપીટની નહીં હોવાનું જણાવ્યું હતું. કેટલાક લોકો યોજના બનાવી તેમની પાસે ઝઘડો કરવા આવ્યા હતા. તેમણે વીડિયો બનાવી વાયરલ કર્યો. છેલ્લા ર૪ કલાકમાં યોગી સરકારના બે મંત્રીઓના કરતૂતોથી સરકારની ફજેતી થઈ છે.