અમદાવાદ, તા.૨૯
અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમા આવેલી રાજય સરકાર હસ્તકની સિવિલ હોસ્પિટલમાં આજે વધુ બે બાળકોના મોત થતાં છેલ્લા ચાર દિવસમાં મોતનો આંકડો વધીને ૨૦ ઉપર પહોંચી જતાં સનસનાટી મચી ગઈ હતી. બીજી બાજુ આ મામલે હચમચી ઉઠેલી સરકારે તરત જ તપાસના આદેશ આપી દીધા છે. આ કમિટિ એક સપ્તાહની અંદર તપાસ રિપોર્ટ સોંપશે. કમિટિમાં ડેપ્યુટી ડાયરેક્ટર દિક્ષીત ઉપરાંત એક પિડિયાટ્રિશિયન અને એક ગાયનેકોલોજિસ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટિના સભ્યો નવજાત શિશુઓના મોતના કારણો અને કઇ સ્થિતિમાં બાળકોના મોત થયા છે તે અંગેના કારણોની તપાસ કરી સરકાર સમક્ષ તેનો અહેવાલ રજૂ કરશે. આ અંગેની વિગત એવી છે કે, સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાકની અંદર નવ જેટલા બાળકોના થયેલા મોતના અહેવાલના પગલે સફાળે જાગેલી સરકાર એક્શન મોડમાં આવી છે. આજે સરકાર દ્વારા આ સમગ્ર મામલાની તપાસ કરવાની જાહેરાતની સાથે જ એક કમિટિ બનાવીને એક સપ્તાહની અંદર રિપોર્ટ સબમિટ કરવા કહેવાયું છે. છેલ્લા ૨૪ કલાકની અંદર વધુ બે નવજાત શિશુઓના મોત થતાં છેલ્લા ચાર દિવસની અંદર કુલ મળીને ૨૦ બાળકોના મોત થવા પામ્યા છે. રાજય સરકારે બાળકોના મોતને મામલે મેડિકલ એજ્યુકેશનના ડેપ્યુટી ડાયરેકટરની આગેવાનીમાં તપાસ કરાવવાનો નિર્ણય કર્યો છે.