અમદાવાદ, તા.ર૯
સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોતની ઘટના ગુજરાતમાં કથળતી આરોગ્ય સેવાનું પરિણામ છે. નિષ્ઠુર બનેલી ગુજરાત સરકારને પ્રજાની કોઈ જ ફિકર નથી. નિર્દોષ બાળકોના મોત માટે સરકારની ભ્રષ્ટ નીતિઓ જવાબદાર છે. એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ર૪ કલાકમાં ૧૦ નવજાત બાળકોનાં મોતની ઘટના ગુજરાત માટે સૌથી મોટી શરમજનક બાબત ગણાય. ત્રણ દિવસમાં ૧૯ બાળકોના મોત નિપજ્યા અને સરકાર હજુ સુધી ચૂપ બેસીને તમાશો જોઈ રહી છે. જનવિકલ્પ પાર્ટીના પ્રવકતા પાર્થેશ પટેલે આ ઘટનાને વખોડી કાઢતા જણાવ્યું છે કે, ૧૯ બાળકોના મોત માટે અન્ય કંઈ નહીં પરંતુ નિષ્ઠુર ભાજપ સરકાર જવાબદાર છે. સરકાર રાજ્યમાં મોટી મલટી સરકારી યોજનાઓ ચાલી રહી હોવાના દાવા કરી રહી છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટનાએ સરકારના તમામ દાવાઓની પોલ ખુલ્લી પાડી દીધી છે. જનવિકલ્પ પાર્ટીએ આ ઘટના મુદ્દે હાઈલેવલ તપાસની માગ કરી છે અને આ ઘટના પાછળ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી આવા લોકોની બેદરકારીનો ભોગ આવા નિર્દોષ બાળકોને ન બનવું પડે. પાર્થેશ પટેલ સિવિલ હોસ્પિટલ અને સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે આવા માસુમ બાળકોના મોત માટે સરકારની ભ્રષ્ટ નીતિઓ જવાબદાર છે. સરકારી તંત્ર સાવ ખાડે ગયું છે. સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરો દર્દીઓ સાથે એવી રીતે વર્તન કરતા હોય છે. જાણે તેઓ કોઈ અપરાધની સજા કાપવા માટે આવ્યા હોય. યુપીના ગોરખપુરની સરકારી હોસ્પિટલમાં જેમ સરકારે ઓક્સિજનનું બિલ નહીં ભરતા ર૦૦ નિર્દોષ બાળકોના મોત નિપજ્યા હતા. તેની માફક અમદાવાદની આ સરકારી હોસ્પિટલમાં પણ ૧૯ નિર્દોષ બાળકો ઓક્સિજનના અભાવે તો મૃત્યુ પામ્યા નથી ને ? એવી શંકા સામાન્ય લોકોમાં થાય તે સ્વાભાવિક છે કેમ કે આ સરકાર મેલા મનની સરકાર છે અને પોતાની આવી ભૂલો છુપાવામાં ઉસ્તાદ છે. સરકાર એવો લુલો બચાવ કરે છે કે જે બાળકો મરી ગયા તેમને ક્રિટીકલ હાલતમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દર્દીઓને ક્રિટીકલ હાલતમાં લાવવામાં ન આવે તો શું સ્વસ્થ હોય ત્યારે લાવવામાં આવે ? આવો બચાવ લોકોના ગળે ઉતરે તેમ નથી. વાસ્તવમાં હોસ્પિટલ અને સરકારની ઘોર નિષ્કાળજીને કારણે જ ૧૯ બાળકો આ દુનિયામાં આવતાની સાથે જ તેમના મોત નિપજ્યા છે. આ સરકારના માથે બાળ હત્યાનું પાપ અને કલંક લાગી ગયું છે. જવાબદારો સાથે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.