ભાવનગર, તા.૩૦
ભાવનગર શહેરમાં ગઈકાલે સાંજ રાજકીય બરાબરની કસોટીએ ચઢી હતી. સાંજથી રાત્રી સુધી કોંગ્રેસ, ભાજપ અને હાર્દિક પટેલ પાટીદાર સમાજની બરાબરની તૈયારીઓ અંતિમ તબક્કામાં જઈ ચઢી હતી. કોંગ્રેસના પ્રદેશ નેતા અને ભાવનગર કર્મભૂમિ ધરાવતા શંક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પક્ષના નવા વર્ષનો સ્નેહમિલન, સિપાઈ સમાજના કાર્યક્રમ અને વિવિધ કાર્યક્રમોમાં ભારે વ્યસ્ત રહ્યા હતા જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ અને ભાવનગર શહેરના હોમ ગ્રાઉન્ડ ધરાવતા જીતુ વાઘાણીએ પણ એડીચોટીનું જોર અઝમાવવા વિશાળ સંમેલનમાં હાજર રહી કેસરિયા માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. શક્તિસિંહ ગોહિલના ખાસમખાસ અને પાંચ-પંદર અંગત વ્યક્તિમાં ગણાતા ખોજા સમાજના અગ્રણી શબ્બીરભાઈ અસારિયાએ શક્તિસિંહ અને કોંગ્રેસને ગુડબાય કરી નવા વર્ષથી ભાજપનો ખેસ ધારણ કરી જીતુ વાઘાણીના હસ્તે વિધિવત ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત ઈમરાન શેખ (કુંભારવાડા), રિયાજભાઈ મસાણી (શિયબ્રેકર), મુન્નાભાઈ વરતેજી, મહેંદીભાઈ વરતેજી, રાજુભાઈ નુરાની તથા મેઘાણીભાઈ વગેરે શક્તિસિંહના ખાસ ટેકેદારો ભાજપમાં વિધિવત જીતુ વાઘાણીની હાજરીમાં (ભાજપમાં) જોડાતા નવા વર્ષની મજા બગાડી હતી. ભાવનગર શહેર અને જિલ્લાની તમામ બેઠકો ઉપર હજુ વિધિવત નામ જાહેર થયા નથી પરંતુ શક્તિસિંહ ગોહિલ ભાવનગરથી ચૂંટણી લડશે કે માંડવી પરથી તે વિશે કોઈ જ ફોડ પાડવામાં આવતો નથી. ભાવનગર શહેર અને ગ્રામ્ય બંને બેઠકો પર શક્તિસિંહ ગોહિલ પોતાનો ચૂંટણી લડવાનો ઈરાદો જાહેર ના કરે તે પછી જોના ક્રમમાં ઉમેદવાર નક્કી થશે. તેવી જ રીતે ગઈકાલે હાર્દિક પટેલના રોડ-શોમાં ખાસ કોંગી લઘુમતી સમાજના આગેવાનોએ હાર્દિકને ફૂલહાર કરી બંધમાં ચાલતી પાટીદાર-કોંગ્રેસની બાજીને પ્રથમ વખત શહેરમાં લાવીને પાટીદાર અને કોંગ્રેસ વચ્ચેનો MOU જાહેર કર્યો કહેવાય. હાર્દિકને ફૂલહાર કરનારા લઘુમતી સમાજના કોંગી અગ્રણીઓ પણ ખાસમખાસ છે.