(એજન્સી) શ્રીનગર, તા.૩૦
નેશનલ કોન્ફરન્સના કાર્યકારી અધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે એ શરતોનો આદર કરવો જોઈએ જે શરતોના આધારે જમ્મુ કાશ્મીર ભારત સાથે જોડાયો હતો.
જમ્મુ કાશ્મીરના લોકોને અપાયેલ વચનો પૂર્ણ કરવા જોઈએ. કેન્દ્ર સરકારે ખાત્રી આપવી જોઈએ કે જે શરતોથી જમ્મુ કાશ્મીર ભારત સાથે જોડાયો હતો એનું સ્થાપન કરીશું અને આદર કરીશું. ઓમરે કહ્યું કે અમે હાલની અવ્યવસ્થા, ખૂન ખરાબાઓનો અંત લાવવા ઈચ્છીએ છીએ. અમે સન્માનપૂર્વક જીવવા ઈચ્છીએ છીએ.
ઓમરે કબૂલ્યું હતું કે કોઈક વખતે અમે પણ ભૂલો કરીએ છીએ અને ખરા માર્ગથી વળી ખોટા માર્ગે ચઢીએ છીએ, પણ અમને કેન્દ્ર પાસેથી ખાત્રી મળવી જોઈએ કે અમે સત્તાઓ અને દરજ્જો મેળવીશું.
એમણે વડાપ્રધાન મોદીના સંબોધનને બિરદાવ્યું હતું જે એમણે લાલ કિલ્લા ઉપરથી આપ્યું હતું અને કહ્યું હતું કે કાશ્મીરના લોકો સાથે ભેટીને અમે પ્રશ્નો ઉકેલીશું નહીં કે એમનું અપમાન કરી. મને લાગે છે કે જ્યારે વડાપ્રધાન સંબોધન કરી રહ્યા હતા ત્યારે એમના અન્ય મંત્રીઓ ઊંઘી રહ્યા હતા. જેથી મોદીના ભાષણને મહત્ત્વ નથી આપી રહ્યા.
આ પ્રસંગે ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જમ્મુ કાશ્મીર ભારત સાથે ફક્ત ત્રણ બાબતો માટે જોડાયો હતો. જેમાં રક્ષા, વિદેશી બાબતો અને ચલણ હતી. એ સિવાય બધા જ વિષયોનો નિર્ણય રાજ્યને લેવાનું હતું.
એમણે વધુમાં કહ્યું કે જ્યારે ભારત સાથે જોડાણનો કરાર થઈ રહ્યો હતો તે વખતે કાશ્મીરના મહારાજાએ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા મારા પિતાએ નહીં, એ વખતે મારા પિતા તો જેલમાં હતા. એમણે માગણી કરી કે જ્યારે ત્રાસવાદીઓને અપાતા ભંડોળની તપાસ કરાઈ રહી છે ત્યારે એની પણ તપાસ કરવી જોઈએ કે કાશ્મીરમાં અમારા પક્ષના મૂળ માળખાનો નાશ કરવા કોણ નાણાં પૂરા પાડી રહ્યો છે. પક્ષના કાર્યકર્તાઓ રાજ્યના ત્રણેય વિસ્તારો જમ્મુ, લદ્દાખ અને કાશ્મીરથી આવ્યા હતા, અને કાર્યક્રમમાં ભાગ લીધું હતું.