(એજન્સી) દમાસ્કસ, તા.૧૬
સીરિયાની રાજધાની દમાસ્કસના ઉત્તરમાં વાદી બરાદામાં રવિવારે શાસક દળોની ટેન્કોેએ હુમલો કરતાં ઓછામાં ઓછા ૧૨ નાગરિકો માર્યા ગયા હતા અને અન્ય ૨૦ લોકો ઘાયલ થયા હતા, એવું સ્થાનિક કાર્યકરે જણાવ્યું હતું.
સમાચાર એજન્સીને માહિતી આપતા સ્થાનિક કાર્યકર યુસુફે જણાવ્યું હતું કે અસદના શાસકદળોએ દમાસ્કસના ઉત્તરમાં વાદી-બરાદામાં રવિવારે નાગરિકો પર ટેન્કો દ્વારા હુમલો કર્યો હતો. યુસુફે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં એક ગામમાં એક લગ્ન હોલની આસપાસ લોકો ભેગા થયા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો અને કેટલાક ઘાયલ લોકોની પરિસ્થિતિ ગંભીર છે.
વાદી અલ-બરાદા એ કેન્દ્રીય દમાસ્કસથી ૧૬ કિલોમીટર દૂર અને લેબનીઝ સરહદથી ૧૨ કિ.મી. દૂર આવેલું છે.
૩૦ ડિસેમ્બરના રોજ તુર્કી અને રશિયાની મધ્યસ્થી સાથે યુદ્ધવિરામના કરાર કરવામાં આવ્યા હતા અને આ કરારનો સમગ્ર સીરિયામાં અમલ કરવામાં આવે એવું કહેવામા આવ્યું હતું. પરંતુ સીરિયાના વિરોધ માટેની ઉચ્ચ વાટાઘાટ સમિતિના મુખ્ય સંયોજક, રિયાઝ હીઝબે છેલ્લા અઠવાડિયે જણાવ્યું હતું કે આ યુદ્ધવિરામ અમલમાં આવ્યો એ પછી શાસન અને તેના સાથીદારોએ ઓછામાં ઓછા ૪૦૦ વાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. અને તેના કારણે ઓછામાં ઓછા ૨૭૧ લોકો માર્યા ગયા છે.