(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
પાંચ જજોની બંધારણીય બેંચે આજે બે જજોની બેંચના આદેશને રદ કર્યું હતું. બે જજોની બેંચે જજોને લાંચ આપવાનો કેસ પાંચ જજોની બંધારણીય બેંચની રચના કરવા અને સાંભળવા આદેશ કર્યું હતું. પાંચ જજોની બેંચે કહ્યું કે આ પ્રકારનો નિર્ણય ફકત મુખ્ય ન્યાયાધીશને જ છે જે કોર્ટના વડા છે અને મામલાઓની ફાળવણીના સંપૂર્ણ અધિકારો ધરાવે છે. પાંચ જજોની બેંચ જેની આગેવાની દીપક મિશ્રાએ લીધી હતી. એમણે ચુકાદો આપ્યો કે બે અને ત્રણ જજોની બેંચો મુખ્ય ન્યાયાધીશને બંધારણીય બેંચ રચવા આદેશ આપી શકે નહીં. ગુરૂવારે સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકાર અને સીબીઆઈને નોટિસો મોકલી હતી. મેડિકલ કોલેજના રજિસ્ટ્રેશન બાબત જજો સામે આક્ષેપો કરાયા હતા જેની તપાસ માટેની માગણી કરતી અરજી દાખલ કરાઈ હતી જેના અનુસંધાને સુપ્રીમકોર્ટે નોટિસો મોકલી હતી આ નોટિસ ત્રણ જજોની બેંચે મોકલાવી હતી. અરજદાર વતી રજૂઆતો કરતાં વકીલ દુષ્યંત દવેએ જણાવ્યું હતું કે આ કેસની તપાસ થવી જોઈએ કારણ કે એફઆઈઆર સીબીઆઈએ દાખલ કરી છે. સીજેઆઈને સંપૂર્ણ સત્તા આપતો ચુકાદો આજે બંધારણીય બેંચે આપ્યો હતો અને જણાવ્યું હતું કે આ ન્યાયના સિદ્ધાંતોના અનુરૂપે છે અને શિસ્ત મુજબ પણ છે. સીજેઆઈએ જણાવ્યું કે, મીડિયાને રિપોર્ટીંગ કરવાથી અળગા રાખવાની જરૂર નથી. હું વાણી સ્વતંત્રતામાં માનું છું. સીજેઆઈએ વકીલ પ્રશાંત ભૂષણને કહ્યું કે તમે જજો ઉપર ખોટા આક્ષેપો મૂકી રહ્યા છો. આ વાતથી ભૂષણ રોષે ભરાઈ કોર્ટમાંથી જતા રહ્યા અને કહ્યું કે મને રજૂઆત કરવાની તક જ નથી અપાઈ.