અમદાવાદ, તા.૧૩
ચૂંટણી ટાણે પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલની યુવતી સાથેની કથિત સેક્સ સીડી ફરતી થતાં રાજકારણ ગરમાયું છે. હાર્દિક પટેલનો યુવતી સાથેનો સોશિયલ મીડિયામાં અપલોડ થયેલો વીડિયો કોઈ હોટલના રૂમનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમાં હાર્દિક જેવો દેખાતો વ્યક્તિ એક યુવતી સાથે નજરે પડે છે. ત્યારે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. તો સામે હાર્દિક પટેલે વીડિયો મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મેં અગાઉ પણ કિધું હતું કે, આવા વીડિયો વાયરલ થશે બેંગ્કોકથી આવા વીડિયો બનાવવામાં આવે છે. સંજય જોશી કદાવર નેતા બની રહ્યા હતા ત્યારે આવો પ્રયાસ થયો હતો. નારી સન્માન સાથે ચેડાં થઈ રહ્યા છે. ગંદી રાજનીતિની શરૂઆત થઈ ચૂકી છે. અમિત શાહ જેવા મહિલાઓની જાસૂસી કરાવી શક્તા હોય તેઓ મહિલાનું અપમાન કરી રહ્યા છે. ખોટા આક્ષેપો કરી મારું કંઈ બગાડી શકશે નહીં. સીડી બનાવટી છે અને વિદેશથી અપલોડ કરવામાં આવી છે. વિજય રૂપાણીએ અહમદ પટેલ પર કરેલા આક્ષેપોથી કંઈ વળ્યું નથી. એટલે હાર્દિકને નિશાન બનાવે છે. મને કાંઈ વાંધો નથી લોકો અને સમાજના કામ માટે નીકળ્યો છું. છાતી ઠોકીને ભાજપ સામે લડીશું. જેને વીડિયો આપ્યો તે ભાજપમાં જોડાયા છે. બીજેપીએ ૧પ૦ નહીં પણ પ૦ સીટો બચાવવા માટે વીડિયો તૈયાર કર્યો છે. હું ખોટો હોઈશ તો કાલથી લોકો સભામાં નહીં આવે. એમ હાર્દિક પટેલે જણાવ્યું હતું. તો હાર્દિકની સીડી જાહેર થવા મામલે ભાજપ તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે હાર્દિકની સીડી સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી.
વીડિયો ખોટો છે તો હાર્દિક ચાર દિવસમાં સાબિત કરે
પાસના નેતા હાર્દિક પટેલના એક રૂમમાં યુવતી સાથેના વીડિયોને લઇ ગુજરાતના રાજકારણમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. બીજીબાજુ, આ વીડિયોબોંબ વાયરલ થયા બાદ પાટીદાર આરક્ષણ સંઘર્ષ સમિતિના આગેવાન અશ્વિન પટેલ (સાંકડાશેરીયા)એ હાર્દિક પટેલને ખુલ્લો પડકાર અને અલ્ટિમેટમ આપતાં જાહેરમાં જણાવ્યું હતું કે, જો આ વીડિયો ખોટો હોય તો હાર્દિક તે ચાર દિવસમાં સાબિત કરે નહી તો, ચાર દિવસ પછી હું હાર્દિક અને તેના સાથીઓના ચરિત્રકાંડના વધુ કિસ્સાઓનો તે પર્દાફાશ કરશે. હાર્દિકના સાથીઓ અને પાસના અન્ય માણસો-કન્વીનરોએ અન્ય પાટીદાર યુવતીઓનું અગાઉ પણ શોષણ કર્યું છે, તેના પણ મજબૂત પુરાવા મારી પાસે છે એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કરતાં તેમણે જણાવ્યું કે, હાર્દિક પટેલનું ચરિત્ર લોકો સામે ખુલ્લું પડી ગયુ છે અને હાર્દિકને પાટીદાર સમાજ કયારેય માફ નહી કરે. આવા ચરિત્રહીન લોકોને ઘરમાં પણ પ્રવેશ ના અપાય. વીડિયોની સીડી એ તપાસનો વિષય છે પરંતુ મારી પાસે સુરતની પાસ ટીમના કન્વીનરો સહિતના માણસોના પણ ઓથેન્ટીક ઓડિયો અને પુરાવા છે, જેઓએ અગાઉ પણ પાટીદાર સમાજની યુવતીઓનું શોષણ કર્યું છે. હાર્દિક પટેલને પાટીદાર સમાજ કયારેય માફ નહી કરે. હાર્દિક પટેલ પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરી તેમને અનામતના મુદ્દે દિવાસ્વપ્ન બતાવી રહ્યો છે.