(એજન્સી) તા.૧૩
અભિનેતા પ્રકાશ રાજે ભાજપ વિરૂદ્ધ ફરી એકવાર હુમલો બોલાવતાં કહ્યું કે લોકોનું ચૂપ રહેનાર બહુમત હવે ભાજપ માટે મતદાન કરવા માટે પોતાની ભૂલનો અહેસાસ કરી રહ્યું છે. પત્રકારો સાથેની વાતચીતમાં પ્રકાશ રાજે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને પોતાની નિરાશા અને જનસમૂહમાં ફેલાયેલ અસંતોષને શાંત કરવામાં અસફળ રહેવા પર આડે હાથ લીધી હતી. અહીં જણાવી દઈએ કે અગાઉ પ્રકાશ રાજે પોતાની મિત્ર અને પત્રકાર ગૌરી લંકેશની ભયાનક હત્યાને ધ્યાનમાં રાખીને હિન્દુત્વ બ્રિગેડના આરોપીઓની ધરપકડ કરવાને લઈને પણ સરકાર પર નિશાન તાક્યું હતું. ગૌરી લંકેશની હત્યા પર પ્રધાનમંત્રીની ચૂપીકીદી મામલે તેમણે નરેન્દ્ર મોદી કરતાં પોતાને સારા અભિનેતા ગણાવ્યા હતા. રવિવારે પ્રકાશ રાજે ફરીથી હિન્દુત્વની રાજનીતિ કરનાર લોકો પર ટીકા કરતાં કહ્યું કે, આ લોકો નાગરિકો વચ્ચે ભય પેદા કરવા માટે જવાબદાર છે. એમણે કહ્યું કે, તમે ગાય પર કાનૂન પસાર કરો છો ફકત એટલા માટે કે તમને શક છે કે કોઈ ગાયને મારી શકે છે. તાજમહેલ અને ટીપુ સુલતાન વિવાદ પર ટીકા કરતાં અભિનેતાએ હિન્દુત્વ સેનાને કહ્યું કે તેઓ એ પ્રકારે લોકોનો સમય વેડફી રહ્યા છે. આ ઉપરાંત પ્રકાશ રાજે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, આપણા દેશમાં રસ્તાઓ, શાળાઓ, હોસ્પિટલો અને યુવા બેરોજગારી, ખેડૂતોની દુર્દશા પર ધ્યાન આપવાના બદલે તેમજ શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવાને બદલે ચૂંટણી જીતવા ઉપર ધ્યાન આપવામાં આવે છે. પ્રકાશ રાજે સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વગાડવાના મુદ્દે પણ નિડરતાથી પોતાનો મંતવ્ય રજૂ કર્યો. એમણે કહ્યું કે, મને નથી લાગતું કે કોઈપણ વ્યક્તિએ સિનેમા હોલમાં ઊભા થઈને પોતાની દેશભક્તિનો પુરાવો આપવાની જરૂર છે.