(એજન્સી) તા.૧પ
ઇરાન-ઇરાક સરહદે રાહતકર્તાઓ મંગળવારે પણ ભૂકંપને કારણે મચેલી તબાહી બાદ કાટમાળ સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ ભૂકંપમાં મૃતાંક વધીને પ૩૦ને પણ વટાવી ગયો છે. દરમિયાન રાષ્ટ્રપતિ હસન રુહાનીએ પણ ભૂકંપગ્રસ્ત કેરમનશાહ વિસ્તારની મુલાકાત લીધી હતી. મોટાભાગના લોકો એવા વિસ્તારોમાં મૃત્યુ પામ્યા છે જેને ૧૯૮૦ના યુદ્ધ બાદ ફરીથી સ્થાપિત કરાયા હતા. ભૂકંપથી સૌથી વધુ નુકસાન કેરમાનશાહ પ્રાંતના સરપોલ એ જહબમાં થયો છે જે ઇરાન અને ઇરાકને વિભાજિત કરતા જગરોસ પર્વતીય વિસ્તારમાં આવેલ છે. ભૂકંપમાં અનેક ઇમારતો ધસી પડી છે. અનેક ઇમારતોની બાહ્ય દીવાલોમાં તિરાડો પડી ગઇ છે. વીજળી અને પાણીની લાઇનો ધ્વસ્ત થઈ ગઇ છે અને ટેલિફોન સેવા પણ ઠપ્પ થઈ ગઇ છે. કાટમાળની તપાસ માટે શ્વાન ટુકડીનો ઉપયોગ કરાઇ રહ્યો છે. સરપોલ એ જહાબની હોસ્પિટલ પણ નુકસાનગ્રસ્ત થઇ ગઇ છે અને સેનાએ જાહેરમાં એક હોસ્પિટલ બનાવી દીધી છે. અનેક ઘાયલોને તહેરાન સહિત અન્ય શહેરોમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે. સમાચાર અનુસાર ભૂકંપથી સેનાની એક ચોકી અને સરહદી શહેરની ઈમારતો પણ નુકસાનગ્રસ્ત થયું છે અને અસંખ્ય જવાનોનાં મોત થયા છે. ઇરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનાઈએ તમામ સરકારી અને સૈન્ય દળોને તાત્કાલિક પ્રભાવે મદદ માટે રવાના કરી દીધા છે. ઇરાનના સંકટ પ્રબંધન મુખ્યાલયના પ્રવક્તા બહનામ સઇદીએ સરકારી ટીવી સમક્ષ કહ્યું હતું કે ભૂકંપથી દેશમાં પ૩૦ લોકોનાં મોત થયા છે અને ૭૪૬૦ લોકો ઘવાયા છે. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ઇરાકના પૂર્વ શહેર હલબજાના ૩૧ કિમી બહાર અને ર૩.ર કિમી ઊંડે હતું. ભૂકંપની કારણે દુબઇની ગગનચુંબી ઇમારતો પણ હલી ગઇ હતી અને આ ભૂકંપની અસર ૧૦૬૦ કિમી સુધી જોવા મળી છે. ઇરાકના ગૃહમંત્રી અનુસાર ભૂકંપમાં સાત લોકોનાં મોત થયા છે અને પ૩પ લોકો ઘવાયા છે. તમામ દેશના ઉત્તરીય અર્ધ સ્વાયત્ત કુર્દ ક્ષેત્રના છે.