(એજન્સી) ઈઝરાયેલ, તા.૧૬
ભારતીય વાયુસેનાના કમાન્ડોએ સોમવારે પોતાના ઈઝરાયેલી સમકક્ષોની સાથે સંયુક્ત અભ્યાસમાં ભાગ લીધો હતો. ઈઝરાયેલમાં અત્યાર સુધીની સૌથી મોટી એરફોર્સ એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સરસાઈઝ ચાલી રહેલા ‘બ્લુ ફ્લેગ’ ડ્રિલના ભાગરૂપે આયોજિત કરવામાં આવી હતી. જેમાંં યોગ્ય સ્થળ પર દુશ્મન રાષ્ટ્રની સરહદની નજીક ઘાયલ થયેલા સૈનિકોને બચાવવા અંગેનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. ભારતે પાયલટ્સ અને ગરુડ કમાન્ડો ફોર્સના સભ્યોને મોકલ્યા હતા. ભારતીય વાયુસેનાના વિશેષ એકમો કે જે બે એરપોર્ટ પર થયેલા આતંકવાદી હુમલાઓ બાદ ર૦૦૩માં સ્થપાયા હતા. ગરુડ ઈઝરાયેલ વાયુસેનાના એકમ ૬૬૯ને સમકક્ષ છે, જેની સ્થાપના ૧૯૭૪માં થઈ હતી. આ સંયુક્ત ક્વાયતમાં સૈનિકોના સ્થળ નક્કી કરવા, તેમને અગ્નિમાંથી બચાવીને હેલિકોપ્ટર મારફતે ઘરે પહોંચાડવા, ઉપરાંત દુશ્મનના પ્રદેશમાંથી બહાર નીકળેલા સૈનિકની ભાળ કેવી રીતે મેળવવી તે અંગેનો પણ અભ્યાસ કર્યો હતો. ઈઝરાયેલી કમાન્ડોએ ટેકનોલોજી વગર નેવિગેશનનું પણ પ્રદર્શન કર્યું, બે વાયુ સેનાઓએ હવાઈ ઈંધણ ભરવા અંગેનો પણ અભ્યાસ કર્યો હતો. સાત દેશોના ૭૦થી વધુ વિમાનોએ આ બ્લુ ફલેગ ડ્રિલમાં ભાગ લીધો હતો કે જે ર નવેમ્બરે શરૂ થઈ હતી.