Site icon Gujarat Today

ભાજપના નેતા તરફથી મૃત્યુની ધમકી વચ્ચે દિપીકા પાદુકોણે પીએમ મોદીના કાર્યક્રમમાંથી પોતાનું નામ પાછંુ ખેંચી લીધું

(એજન્સી) હૈદરાબાદ, તા.૨૨
ફિલ્મ પદ્માવતીને લઈને વિવાદમાં ઘેરાયેલ બોલિવૂડની અભિનેત્રી દિપીકા પાદુકોણે ગ્લોબલ એન્ટપ્રિનિયોરશીપ સમિટ (જીઈએસ)માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ૨૮ નવે. હૈદરાબાદ ખાતે યોજાનારી આ સમિટમાં વડાપ્રધાન મોદી ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા જેવી હસ્તીઓ સામેલ થનાર છે. તેલંગાણા સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દિપીકાએ આ ઈવેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. અધિકારીએ એવું પણ જણાવ્યું છે કે, આ ઈવેન્ટમાંથી નામ પાછું ખેંચી લેવાના કારણ અંગે તેમને કોઈ જાણકારી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમિટમાં દિપીકા ‘હોલિવૂડ ટુ નોલિવૂડ ટુ બોલિવૂડ : ધ પાથ ટુ મૂવી મેકિંગ’ પર પોતાનું વક્તવ્ય અને અભિપ્રાય રજૂ કરવાની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નાઈજીરિયાની ઈન્ડસ્ટ્રીને નોલિવૂડના નામથી ઓળખવામાં આવે છે. દિપીકાએ આ નિર્ણય ત્યારે લીધો છે જ્યારે દેશભરમાં તેમની ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એવું કહેવાય છે કે, દિપીકાએ પોતાનો નિર્ણય આટલા માટે કદાચ બદલ્યો છે. આ ફિલ્મનો રાજપૂત સંગઠનો શરૂઆતથી જ વિરોધ કરી રહ્યા છે. એક બાજુ કેટલાય રાજકીય પક્ષો આ ફિલ્મની વિરૂદ્ધ છે તો બીજી બાજુ અખિલ ભારતીય ક્ષત્રિય યુવા મહાસભા તરફથી દિપીકા અને સંજયલીલા ભણસાલીના માથા વાઢવા માટે પ કરોડ સુધીના ઈનામની પણ જાહેરાત કરવામાં આવી છે. અમેરિકા અને ભારત દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવેલ ગ્લોબલ એન્ટરપ્રિનિયોરશીપ સમિટનું વિષયવસ્તુ છે ‘વુમન ફર્સ્ટ પ્રોસ્પેરિટી ફોર ઓલ’ આ સમિટમાં દુનિયાભરમાંથી પ૦૦ જેટલા ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારો ભાગ લઈ રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાન્કા ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ નવે.ના રોજ આ સમિટના ઉદ્‌ઘાટન સમારોહમાં હાજરી આપશે.

Exit mobile version