અમદાવાદ, તા.ર૯
ચૂંટણીના પ્રચાર ટાણે સત્તા પક્ષ અને વિરોધપક્ષ એકબીજા સામે આરોપ-પ્રતિઆરોપ કરતા હોય છે. પણ તેમાં એક મર્યાદા હોય છે જ્યારે વડાપ્રધાન જ આવી મર્યાદા ભૂલી જુઠ્ઠું બોલતાં હોય અને તેમનું જૂઠ્ઠાણું પકડાઈ જાય તો ? આવી જ સ્થિતિ મોરબી ખાતે જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની થઈ. મોરબીમાં પીએમે મચ્છુ હોનારતને વાગોળતાં જણાવ્યું કે હોનારત વખતે મોરબીની મુલાકાતે આવેલા ઈન્દિરા ગાંધી નાક ઉપર રૂમાલ મૂકીને ઊભાં હતાં. જ્યારે સંઘના કાર્યકર્તાઓ કીચડ-કાદવમાં ખૂલ્લા મોંઢે કામ કરતા હતા. જો કે, મોદીની આ વાત જુઠ્ઠાણું સાબિત થઈ હતી જેની પોલ મોદીના આ ભાષણ બાદ ચિત્રલેખા દ્વારા મોરબી હોનારત વખતે પ્રસિદ્ધ થયેલા અંકની તસવીર કરવામાં આવી હતી. જેમાં તેમના જુઠ્ઠાણાંની પોલ ખૂલી ગઈ હતી. મોરબીમાં મચ્છુ હોનારતમાં મોટી સંખ્યામાં માણસોની સાથે પશુઓ પણ માર્યા ગયાં હતાં. ચારેતરફ દુર્ગંધ મારતી હતી. મહામારી ફેલાવાનો ડર હતો. મોરબીમાં જે કોઈ જાય તે આ દુર્ગંધથી બચવા મોંઢે રૂમાલ બાંધવા સિવાય કોઈ રસ્તો જ ન હતો. મોરબીમાં જે સ્વયં સેવકો ગયા હતા. તેમના માટે પણ અસહ્ય દુર્ગંધથી બચવા માટે મોઢે રૂમાલ બાંધવા સિવાય કોઈ રસ્તો ન હોતો. ચિત્રલેખાના અંકમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઈન્દિરા ગાંધી અને સ્વયં સેવકો બન્ને પોતાના નાક ઉપર રૂમાલ મૂકી રહ્યા છે. ઈન્દિરા ગાંધીએ નાક ઉપર રૂમાલ મૂકી જાણે કોઈક અપરાધ ન કર્યો હોય તેમ મોદીએ આરોપ લગાવ્યો હતો. આમ ઈન્દિરા ગાંધીના કૃત્યને નીચા પાડવાનો આવો હિન પ્રયાસ અને વડાપ્રધાન મોદીનું જુઠ્ઠાણું ખૂલ્લું પડી ગયું હતું.
5