Site icon Gujarat Today

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી આગામી સપ્તાહે ગુજરાતના બે દિવસીય ચૂંટણી પ્રવાસે આવશે

અમદાવાદ, તા.૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કાર્ય વેગવંતું બન્યું છે ત્યારે રાહુલ ગાંધીને મળતા પ્રચંડ પ્રતિસાદને જોતા ભાજપાએ અનેક નેતાઓની ફોજ રાજ્યમાં ઉતારી છે ત્યારે રાજ્યભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી આગામી સપ્તાહે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવે તેવી શક્યતા છે. આ મુલાકાત દરમિયાન તેઓ પાંચ જાહેર સભાને સંબોધશે તેવી માહિતી સૂત્રો પાસેથી સાંપડી છે.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી આગામી સપ્તાહે ગુજરાતના આદિવાસી વિસ્તારની બે દિવસીય મુલાકાતમાં પાંચ જાહેરસભાને સંબોધન કરે તેવી શક્યતા છે. આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ અધ્યક્ષાની લોકપ્રિયતા જોઈને તેમની મુલાકાતનું આયોજન થઈ રહ્યું હોવાનું કોંગ્રેસના ટોચના સૂત્રોએ જણાવ્યું છે. સોનિયા ગાંધી ચાર સભા આદિવાસી વિસ્તારમાં જ્યારે એક સભા શહેરી વિસ્તારમાં કરશે. ગુજરાતની ચૂંટણીમાં શ્રીમતી ગાંધીનો આ સૌપ્રથમ પ્રવાસ હશે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં જ્યાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે આકરી ટક્કર થાય તેવી શક્યતા ધરાવતી બેઠકોમાં સોનિયા ગાંધી એક દિવસમાં બબ્બે સભાને સંબોધન કરશે. નોંધનીય છે કે સોનિયા ગાંધીનીનાદુરસ્ત તબિયત હોવાથી તેઓ આ વખતે ગુજરાતના ચૂંટણી પ્રચારમાં સક્રિય નથી, પરંતુ તેમના પુત્ર અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો મોરચો સંભાળ્યો છે. આમ ગુજરાતના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીને મળેલા પ્રચંડ પ્રતિસાદે કોંગ્રેસ માટે સારી આશા જન્માવી છે જ્યારે પ્રજા માનસ પણ આ વખતે કોંગ્રેસ તરફ ઢળ્યું છે ત્યારે કોંગ્રેસ પણ આ વખતની ચૂંટણી જીતવા કમર કસી જ લીધી છે જેના ભાગરૂપે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ પ્રચાર મેદાનમાં ઉતરશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

Exit mobile version